
રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાત એમ છે કે, રાજકોટમાં પેંગોલિનનું ગેરકાયદે વેચાણ થતું હોય તેવા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. પેંગોલિનની તસ્કર માત્ર ભારત જ નહી પરંતુ આખા વિશ્વમાં ગેરકાયદે છે અને તેને ગંભીર ગુનો માનવામાં આવે છે.
જણાવી દઈએ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં પેંગોલિની કિંમત 22 કરોડ જેટલી છે. પેંગોલિન એક અત્યંત દુર્લભ અને સંરક્ષિત વન્યજીવ છે. પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને આ ગુનામાં સંડોવાયેલા 2 આરોપીઓને ઝડપી પાડ્યા.
રાજકોટ SOG ટીમે ચોક્કસ માહિતીના આધારે કરેલા ઓપરેશનમાં કુલ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ દુર્લભ પેંગોલિનને ગીર વિસ્તારના ઘાંટવડ ગામની એક વાડીમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું, જ્યાંથી તેને વેચવાની યોજના બનાવવામાં આવી હતી.
પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને તેમને વધુ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા માટે વન વિભાગને સુપરત કર્યા છે. વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ એક ગંભીર ગુનો છે.
પોલીસ અને SOG દ્વારા સફળતાપૂર્વક ઝડપી પાડવામાં આવેલા આ દુર્લભ પેંગોલિનને પણ સુરક્ષિત રીતે વન વિભાગને સોંપવામાં આવ્યું છે. વન વિભાગ હવે આ પ્રાણીના સ્વાસ્થ્યની તપાસ કરશે અને તેને તેના યોગ્ય નિવાસસ્થાનમાં મુક્ત કરવા માટેની કાર્યવાહી હાથ ધરશે.
પેંગોલિનની તસ્કરી મુખ્યત્વે તેના ભીંગડા અને તેના માંસ માટે થાય છે, જેનો ઉપયોગ પરંપરાગત દવાઓમાં થતો હોવાનું માનવામાં આવે છે. આ ઓપરેશન ગુજરાતમાં વન્યજીવ ગુનાઓ સામે કાયદા અમલીકરણ એજન્સીઓની સજાગતા અને તત્પરતા દર્શાવે છે. કાયદાનું ઉલ્લંઘન કરનારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.