વગર વરસાદે વડોદરાનો પાણીગેટ વિસ્તાર થયો જળબંબાકાર, અનેક લોકોના ઘરોમાં ફરી વળ્યા પાણી- Video
વડોદરામાં વગર ચોમાસે પાણીગેટ વિસ્તાર જળબંબાકાર થયો છે. પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા. ગૌરવ સોસાયટીમાં અનેક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા.
વરસાદી પાણીના નિકાલને લઈને અનેકવાર વિવાદોમાં આવેલી વડોદરા મહાનગરાપાલિકાની કામગીરી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. વગર ચોમાસે પાણીગેટ વિસ્તાર મહાનગરપાલિકાની બેદરકારીના પાપે જળબંબાકાર બન્યો. આ વિસ્તારની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા જીઈબી પાસેના વિસ્તારમાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા. ગૌરવ સોસાયટીમાં ઘરોમાં પાણી ફરી વળ્યા. વગર પૂરે લોકોએ પૂરની સ્થિતિનો અનુભવ કર્યો, પાણીની લાઈન તૂટી જતા માર્ગો જીઈબી વિસ્તાર જળબંબાકાર બન્યો. જેના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. આગ લાગ્યા બાદ કૂવો ખોદવા માટે ટેવાયેલી મહાનગરપાલિકાએ બાદમાં સત્વરે ભંગાણ સર્જાયેલી લાઈનનું સમારકામ હાથ ધર્યુ.
વડોદરામાં પૂરે સર્જેલા તાંડવની તસવીરો હજુ લોકો ભૂલ્યા નથી. ત્યાં પાણીગેટ વિસ્તારમાં સર્જાયેલા આ દૃશ્યોએ સ્થાનિકોમાં આક્રોષ ફેલાયો. જો કે પાલિકા દ્વારા મોડી રાત્રે જ સત્વરે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું અને વેડફાઈ રહેલો પાણીનો પ્રવાહ બંધ કરાયો હતો. પરંતુ, 70 વર્ષ જૂ પાણીની લાઈનનું સમયાંતરે સમારકામ ન થતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.