અમદાવાદમાં વધુ એક દારૂબંધીના નિયમોનો લીરેલીરા ઉડાડતો વીડિયો વાયરલ થયો છે, દારૂબંધી (Prohibiton)ના નિયમોનો છડેચોક ભંગ કરતો યુવકનો વીડિયો વાયરલ (Viral Video)થયો છે. જેમાં યુવકે દારૂ અને બિયરના ટીન સાથે વીડિયો બનાવી સોશિયલ મીડિયા (Social Media) પર અપલોડ કર્યો છે. અમદાવાદ રિવરફ્રન્ટ આસપાસનો આ વીડિયો હોવાનું જણાઈ રહ્યું છે. કાર ચલાવતો નબીરો હાથમાં બિયરનું ટીન બતાવી રહ્યુ છે. આ યુવક શહેરના જમાલપુર વિસ્તારનો રહેવાસી હોવાનું અનુમાન છે. રિવરફ્રન્ટ બ્રિજ પર બિયરની બોટલ સાથેનો વીડિયો બનાવીને યુવકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. ચાલુ ગાડીએ યુવક બિયર પી રહ્યો હોવાનુ પણ વીડિયોમાં સામે આવ્યુ છે. આટલુ ઓછુ હોય તેમ દારૂ ભરેલી ટ્રકની પાછળ કાર હંકારતો હોવાનુ પણ વાયરલ વીડિયોમાં સામે આવ્યુ છે.
વીડિયોમાં દેખાઈ રહેલો યુવક આ વીડિયો બનાવી જાણે પોલીસે પડકાર ફેંકી રહ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે. વીડિયોમાં યુવક બેશર્મીથી બેખૌફ થઈને દારૂની મજા માણતો હોય તેવુ દેખાઈ રહ્યુ છે. રાજ્યમાં ઝેરી દારૂકાંડની ઘટનાને હજુ એક સપ્તાહ પણ થયુ નથી ત્યાં દારૂબંધીના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. બોટાદના દારૂકાંડ બાદ સરકાર દારૂના દૂષણને સંપૂર્ણપણે ડામી દેવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે આ પ્રકારના બેખૌફ બુટલેગરો તંત્રને સીધો પડકાર ફેંકી રહ્યા છે.
રાજ્યમાં કહેવા માટે તો કાગળ પર દારૂબંધી છે પરંતુ આ પ્રકારના દારૂબંધીના નિયમોનો ભંગ કરતા બનાવો છાશવારે સામે આવતા રહે છે. ત્યારે સવાલ એ છે કે શું આવા નશાખોરો સુધી પોલીસ પહોંચી શકશે ખરી? દારૂબંધીના નિયમોને નેવે મુકી પોલીસને પડકાર ફેંકતા વીડિયોમાં દેખાઈ રહેલા આ યુવક સુધી પોલીસ પકડીને કાર્યવાહી કરે છે કે કેમ તે જોવુ રહ્યુ.