અમદાવાદ: છેલ્લા 4 વર્ષથી શરૂ થયેલુ GST અંડરબ્રિજનું કામ હજુ પણ અધૂરુ, રોજ 3000 બાળકો રેલવે ટ્રેક ઓળંગી સ્કૂલે જવા લાચાર

Ahmedabad: રાણીપ પાસે આવેલી GST અન્ડરબ્રિજનું કામ છેલ્લા 4 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યુ છે. તંત્રની આ ઢીલી કામગીરીના પાપે રોજના 3000થી વધુ બાળકોને રેલવે ટ્રેક ઓળંગીને પસાર થવુ પડે છે જો કોઈ જોખમથી ઓછુ નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 10, 2023 | 11:43 PM

અમદાવાદમાં રાણીપ પાસે આવેલા રેલવે ફાટક જવું હોય તો જીવ હથેળીમાં લઈને જવું પડે કારણ એ છે કે અહીં વિકાસના નામે કામ એવું ચાલ્યા કરે છે કે છેલ્લા 4-5 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ રોજ જીવ જોખમમાં મૂકીને રેલવેલાઈન ક્રોસ કરે છે છતાં તંત્રને તેની કંઈ પડી નથી. શાળાના નાના-નાના બાળકો, વૃદ્ધો રોજ અહીંથી પસાર થાય છે. જોઈને પણ એક મિનિટ માટે ધ્રુજારી આવી જાય એવા દૃશ્યો અમદાવાદના રાણીપ પાસે આવેલા રેલવે ફાટક પર જોવા મળે છે. અહીંથી રોજ 3000 જેટલા શાળાનો બાળકો ફાટક ક્રોસ કરીને સ્કૂલે જાય છે. અહીંથી દર 10 મિનિટે એક ટ્રેન પસાર થતી હોય છે. ત્યારે નાના બાળકોનું અહીંથી પસાર થવુ એ કંઈ જોખમથી ઓછુ નથી.

છેલ્લા 4 વર્ષથી GST અંડરબ્રિજની કામગીરી ચાલી રહી છે

સ્માર્ટસિટી ગણાતા અમદાવાદમાં વિકાસના મોટા મોટા દાવા તો ઘણા કરાય છે. પરંતુ સામાન્ય જનતાને કેટલો લાભ મળે છે તેની પોલ ખોલતો બોલતો પુરાવો અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલો GST અંડરબ્રિજ છે. તંત્રની અણઆવડત અને ઢીલી નીતિને કારણે હજુ અંડરબ્રિજ પૂરો બન્યો નથી. જેના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. એટલે સ્થિતિ એવી છે કેદરરોજ બાળકો સહિત 3 હજારથી વધુ લોકો હોસ્પિટલ, મંદિર, સ્કૂલ, શાકભાજી લેવા માટે ન્યૂ રાણીપથી રાણીપ જવા માટે જીવ જોખમમાં મૂકે છે. જીવના જોખમે લોકો રેલવે ફાટક ક્રોસ કરવા મજબૂર છે. વાલીઓની ચિંતા શાસકો કે અધિકારીઓના કાન સુધી પહોંચતી નથી.

છેલ્લા ચાર વર્ષથી GST અન્ડરબ્રિજનું કામ ગોકળગતીએ ચાલી રહ્યું છે. સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છતાં સ્થાનિક તંત્ર કે ધારાસભ્ય તરફથી કોઈ જ સકારાત્મક જવાબ નથી મળ્યો તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી દેશનું ભવિષ્ય આ રીતે પોતાની જાતને જોખમમાં મુકીને શાળાએ ભણવા જશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">