VGGIS 2024: ટ્રેડ શોમાં AMCના સ્ટોલે જમાવ્યુ આકર્ષણ, સ્માર્ટસિટી અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ કેન્દ્રસ્થાને- વીડિયો
ગાંધીનગર: વાઈબ્રન્ટ સમિટ 2024 અંતર્ગત ગાંધીનગરમાં સૌથી મોટા ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનુ પીએમ મોદીએ આજે ઉદ્દઘાટન કર્યુ છે. આ મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતની થીમ પર આ ટ્રેડ શો યોજાઈ રહ્યો છે. જેમા અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટોલે પણ આકર્ષણ જમાવ્યુ છે. સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ AMCના સ્ટોલના કેન્દ્ર સ્થાને છે.
ગાંધીનગર: વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2024 અંતર્ગત ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું પીએમ મોદીએ ઉદ્દઘાટન કર્યુ છે. 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન 5 દિવસ સુધી આ ટ્રેડ શો ચાલશે. જે કુલ 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. આ ટ્રેડ શોમાં અમદાવાદ મહાનગરપાલિકાનો પણ સ્ટોલ રાખવામાં આવ્યો છે.
સ્માર્ટ સિટી અને અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ કેન્દ્ર સ્થાને
AMCના સ્ટોલમાં સ્માર્ટ સિટી અને રિવરફ્રન્ટના પ્રોજેક્ટ કેન્દ્ર સ્થાને છે. સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટ, સ્માર્ટ પાર્કિંગ, અત્યાધુનિક ફાયર સર્વિસના પ્રોજેક્ટ મોડલ પણ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા છે. તો ઓક્સિજન પાર્કસ વૉટર વર્ક્સ, વેસ્ટ ટુ એનર્જી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાનના પ્રોજેક્ટ મોડલ પણ રાખવામાં આવ્યા છે. રાજ્યની એકમાત્ર અમદાવાદ મહાનગરપાલિકાનો સ્ટોલ આ ટ્રેડ શોમાં રાખવામાં આવ્યો છે.
મેક ઈન ગુજરાત, આત્મનિર્ભર ભારતની થીમ પર ટ્રેડ શોનું આયોજન
આ ટ્રેડ શોમાં 100 વિઝિટર દેશ છે જ્યારે 33 દેશ કન્ટ્રી પાર્ટનર તરીકે ભાગ લઈ રહ્યા છે. તદઉપરાંત આ ગ્લોબલ ટ્રેડ શોમાં ઓસ્ટ્રેલિયા, તાંઝાનિયા, મોરોક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ,એસ્ટોનિયા,બાંગ્લાદેશ,સિંગાપોર, સંયુક્ત આરબ અમીરાત, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા,રવાન્ડા, જાપાન, ઇન્ડોનેશિયા અને વિયેતનામ એમ કુલ 20 દેશો આ પ્રદર્શનમાં પોતાના દેશોના ઉદ્યોગોની માહિતી પ્રદર્શિત કરી રહ્યા છે.
12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા ટ્રેડ શોની મુલાકાત લઈ શકશે
5 દિવસ સુધી ચાલનારા આ ટ્રેડ શોમાં 10 અને 11 જાન્યુઆરીના રોજ ઉદ્યોગો સાથે સંકળાયેલા મુલાકાતીઓ લાભ લઈ શકશે. જ્યારે 12 અને 13 જાન્યુઆરી દરમિયાન જાહેર જનતા પણ આ ટ્રેડ શોની મુલાકાત લઈ શકશે. અહીં મુખ્યત્વે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ, ઓટોમોબાઈલ અને ઓટો કમ્પોનન્ટ્સ, સિરામિક્સ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, જેમ્સ એન્ડ જ્વેલરી, ફાર્માસ્યુટિકલ્સ, પોર્ટ્સ એન્ડ મરીન સહિતના ક્ષેત્રે અત્યાધુનિક ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન યોજાનાર છે.
આ પણ વાંચો અમદાવાદ : પીએમ મોદીના રોડ શો પહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કરી સુરક્ષાની સમીક્ષા, જુઓ વીડિયો
અમદાવાદ અને ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
