Valsad : અપહરણ બાદ બાળકીની કરી હત્યા, હૈયું કંપાવી દે તેવી ઘટનાના CCTV આવ્યા સામે, જુઓ Video
વલસાડના વાપી નજીક ડુંગરા વિસ્તારમાં અપહરણ બાદ બાળકીની હત્યાના કેસમાં પોલીસે કડક તપાસ હાથ ધરી છે. જેમાં 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા છે. પોલીસે બાળકીના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. ઘટનાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપી હજુ ફરાર છે. જોકે આ ઘટનામાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. જેને આધારે પોલીસ તપાસ કરી રહી છે.
વલસાડના વાપી નજીક ડુંગરા વિસ્તારમાં 6 વર્ષની માસૂમ બાળકીની અપહરણ બાદ હત્યા કરી દેવાઈ. ઘટનાને એક દિવસથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આરોપી હજુ ફરાર છે. બાળકી સાથે દુષ્કર્મ થયાની પણ આશંકા છે.
પોલીસનો દાવો છે કે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ જ જાણી શકાશે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે નહીં. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીની હત્યા તેના જ વસ્ત્રથી ગળુ દબાવીને કરી દેવાઈ છે. ઘટનામાં પોલીસે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ કર્યા છે. પોલીસનો દાવો છે કે CCTVમાં દેખાતો આરોપી છેલ્લા 5 દિવસથી બાળકીને ટાર્ગેટ કરી રહ્યો હતો.
બાળકીના પરિવારજનો તેને ઓળખતા નથી. બાળકીને 5 દિવસથી ચોકલેટ, કુરકુરે લઈ આપીને આરોપીએ પહેલા વિશ્વાસ કેળવ્યો હતો. જેથી બાદમાં અપહરણ સમયે બાળકી બૂમાબૂમ ન કરે.
23 ઓક્ટોબરે બાળકી ગુમ થયાની પોલીસને ફરિયાદ મળી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન CCTV ફૂટેજ મળી આવ્યા હતા. જેમાં આરોપી શખ્સ બાળકીને નજીકની ખાડી કિનારે આવેલા ઘાસના મેદાન તરફ લઈ જતો જોવા મળ્યો હતો. ત્યારબાદ તે પરત એકલો ફર્યાનું પણ CCTVમાં જોવા મળ્યું હતું. જેથી પોલીસે રાત્રિ દરમિયાન ખાડી કિનારે ઘાસના ગ્રાઉન્ડમાં મોટી હેલોજન લાઈટ્સથી શોધખોળ કરતાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ પણ વાંચો : Valsad Video: ડુંગરી ફળિયામાં 6 વર્ષની બાળકીનું ગળુ દબાવીને હત્યા, આરોપી ફરાર
સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપી સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધીને તેની શોધવા જિલ્લામાં નાકાબંધી કરી હતી. પોલીસ જુદી-જુદી ટીમો બનાવીને આરોપીની શોધખોળમાં લાગી છે.
વાપી નજીક ડુંગરા વિસ્તારમાં રાજ્ય સહિત સમગ્ર દેશમાંથી લોકો મજૂરી કામ માટે આવતા હોય છે. આ બાળકીના નાના પણ દિલ્લીથી 5 મહિના પહેલા જ ડુંગરી ફળિયામાં રહેવા આવ્યા હતા. દિલ્લીમાં બાળકીના પિતાનું અવસાન થયા બાદ તે તેની મમ્મી અને નાના સાથે રહેતી હતી.
