રીઢા ગુનેગારોને ઝડપી પાડવા કેટલીક વાર પોલીસ વેશ પલટાનો પણ સહારો લેતી હોય છે. પોલીસે કંઇક આવા જ બહુરૂપ ધારણ કરીને ગાંજાના વોન્ડેટ આરોપીને ઝડપી પાડ્યો છે.પોલીસે આ માટે આકરી મહેનત કરવી પડી હતી.
વડોદરાના ફરાર ગાંજાના આરોપીને ઝડપી પાડવા SOGના પોલીસકર્મીઓ બહુરૂપી બન્યા હતા. આરોપીને પોલીસની હાજરીની ગંધ ન આવે તે માટે SOGના પોલીસકર્મીઓ અલગ અલગ રૂપ ધારણ કર્યા હતા. કોઇ નાળીયેરનો વેપારી બન્યો, તો કોઇએ પકોડીની લારી પર પાણીપુરીનું વેચાણ કર્યું. તો એક પોલીસકર્મીએ તો શાકભાજીના વેપારીનો વેશ ધારણ કર્યો હતો.
તમને પણ સવાલ થતો હશે કે પોલીસના વેશ પલટાનું કારણ શું હશે, ઘટનાની વાત કરીએ તો વડોદરાના પાણીગેટ પોલીસ મથકમાં 2021માં 3.99 કિલો ગાંજો ઝડપાયો હતો. આ કેસનો આરોપી રાધેશ રાઠવા 3 વર્ષથી વોન્ટેડ હતો. SOGને બાતમી મળી હતી કે રાધેશ નસવાડીમાં ખરીદી કરવા આવવાનો છે, બસ પોલીસે રાધેશને ઝડપી પાડવા છટકુ ગોઠવ્યું અને વેશપલટો કરી લીધો.
આ પણ વાંચો- લોકસભા ચૂંટણી પહેલા નવા મતદારોને આકર્ષવા ભાજપનો પ્રયાસ, યુવા મોરચાના 364 સંમેલન ગુજરાતમાં યોજાશે, જુઓ વીડિયો
વેપારીનો વેશ ધારણ કરીને ત્રણ દિવસ SOGના જવાનોએ વોચ ગોઠવી હતી અને ખરીદી કરવા આવતા જ રાધેશ રાઠવાને ઝડપી પાડ્યો. આમ ફીલ્મી ઢબે પોલીસે વેશપલટો કરીને વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.