બાળકો માટે ઉત્તરાયણનું પર્વ બન્યું જીવલેણ, પંચમહાલમાં દોરીને કારણે 7 વર્ષીય બાળકનું ગળું કપાતા મોત, વલસાડમાં ધાબા પરથી પટકાતા 6 વર્ષીય બાળકનું મોત
આનંદ ઉલ્લાસનું ઉત્તરાયણનું પર્વ કેટલાક લોકો માટે જીવલેણ બન્યુ તો કેટલાક પરિવારોમાં માતમ લઈને આવ્યુ. રાજ્યમાં પતંગની દોરી વાગવાને કારણે મોતની ઘટના સામે આવી તો ધાબા પરથી નીચે પટકાતા મોતના પણ બનાવો બન્યા.
ઉત્તરાયણનો આનંદ, ઉલ્લાસનો પર્વ કેટલાક પરિવારો માટે માતમ લઈને આવ્યો. પંચમહાલમાં પતંગની દોરીને કારણે 7 વર્ષિય બાળકનું મોત થયુ છે. તરૂણ માછી નામનો બાળક મામાના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે પતંગની દોરીથી ગળુ કપાતા તેનુ મોત નિપજ્યુ હતુ. બાળકનું મોત થતા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
આ તરફ દાહોદના લીમડીમાં અગાશી પરથી નીચે પટકાતા યુવકને માથાના ભાગે ઈજા થતા તેનુ મોત નિપજ્યુ હતુ. બે માળના ધાબા પરથી યુવક નીચે પડ્યો હતો. જેમા માથામાં થયેલી ગંભીર ઈજા પ્રાણઘાતક સાબિત થઈ હતી.
જ્યારે વલસાડના ખાટકીવાળમાં ટેરેસ પર પતંગ ચગાવતી વખતે 6 વર્ષના બાળકનો પગ લપસતા નીચે પડતા મોત થયુ છે. આ તરફ રાજકોટમાં ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત થયુ છે. ગંજીવાડાની મનહર સોસાયટીમાં રહેતા 35 વર્ષિય યુવકનું મોત થયુ છે. યુવકનું મોત થતા પરિવારનાં શોકનું મોજુ ફેલાયુ છે.
