જુનાગઢમાં ખોડિયાર મંદિરમાં ચોરીને અંજામ આપનાર બે આરોપી ઝડપાયા, 2 વર્ષમાં 51 મંદિરમાં કરી ચોરી- જુઓ CCTV Video

| Edited By: | Updated on: Feb 27, 2024 | 5:31 PM

જુનાગઢમાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મેંદરડામાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરી કરતા આરોપીઓ સીસીટીવીમાં કેદ થયા હતા. ચોરીને અંજામ આપનારા ત્રણ આરોપીઓ પૈકી 2 ની ધરપકડ કરી લેવાઈ છે જ્યારે 1 આરોપી ફરાર છે.

જુનાગઢમાં મંદિરોને નિશાન બનાવી તેમાં ચોરી કરતી ગેંગના 2 આરોપી ઝડપાયા. મેંદરડામાં આવેલા ખોડીયાર માતાજીના મંદિરમાં ચોરી કરતા આરોપીઓ સીસીટીવીમાં થયા હતા કેદ. પોલીસે 3માંથી 2 આરોપીને ઝડપી પાડ્યા. તપાસમાં આરોપીઓએ છેલ્લા 2 વર્ષમાં રાજ્યભરનાં 51 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબુલ્યું. આરોપીઓની અનોખી મોડસ ઓપરેન્ડીનો પણ તપાસમાં ખુલાસો થયો છે. ચોરી કરતા પહેલા આરોપીઓ એકબીજા સાથે મંદિરનું લોકેશન અને ફોટો શૅર કરતા હતા. જુનાગઢ જિલ્લાના વિસાવદર, મેંદરડા અને કેશોદના મંદિરોમાં પણ આરોપીઓએ હાથ ફેરો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. મંદિરમાંથી સોના-ચાંદીના દાગીના અને છત્રની આરોપીઓએ ચોરી કરી હતી.

ચોરે મંદિરમાં ચોરી કરતા પહેલા યજ્ઞવેદી સમક્ષ નમાવ્યુ શિશ

ખોડિયાર મંદિમાં ચોરીના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. જેમા સ્પષ્ટ રીતે મંદિરના આરોપીઓ મંદિરમાં પ્રવેશતા જોઈ શકાય છે. જો કે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી મંદિરમાં રહેલી યજ્ઞવેદીને નમન કરતો પણ જોવા મળ્યો હતો. મંદિરમાં ચોરી કરવા આવેલો ચોર મંદિરમાં પ્રવેશતા પહેલા યજ્ઞવેદી સામે શિશ નમાવ્યુ ત્યારબાદ ચોરીને અંજામ આપી નીકળી ગયા હતા

માત્ર મોજશોખ ખાતર મંદિરોમાં જ કરતા હતા ચોરી, 2 વર્ષમાં 55 મંદિરોને બનાવ્યા નિશાન

ત્રણ આરોપીઓમાં સાગર ગોહેલ, ભીખુ કટારીયા અને રોહિત ગોળકીયાનો સમાવેશ થાય છે. આ ચોરોની પ્રાથમિક તપાસમાં  જે સામે આવ્યું છે તે સાંભળીને પોલીસ પણ ચોંકી ગઈ. આરોપીઓએ  2 થી અઢી વર્ષના ગાળામાં જુનાગઢ જિલ્લામાં 7 અને અન્ય જીલ્લાઓમાં 48 એમ કુલ મળીને 55 જેટલાં મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો છે. વધુ ચોંકાવનારો ખૂલાસો એ થયો છે કે આ ચોરો માત્ર મોજશોખ ખાતર મંદિરમાં ચોરી કરતા હતા.

ચોરો પાસેથી સોનું ગાળવાનો સામાન પણ મળ્યો

મંદિર ચોરો પાસેથી પોલીસને સોનું ગાળવાનો સામાન પણ મળી આવ્યો છે. સોના-ચાંદીના દાગીના, મોબાઈલ અને વાહન સહિત કુલ 2.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ પોલીસે મંદિરોને ટાર્ગેટ કરતી તસ્કર ટોળકીના બે લોકોની ધરપકડ કરી અન્ય આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે. તેમજ મંદિરમાંથી ચોરી કરેલો મુદ્દામાલ ક્યાં છુપાવ્યો તે અંગે પણ પૂછપરછ હાથ ધરી છે. તેમજ આરોપીઓ ચોરી સિવાય અન્ય ક્યા ગુનામાં સંડોવાયેલા છે તેને લઈને પણ પૂછપરછ હાથ ધરી છે. મંદિરનો મુદ્દામાલ પરત લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh    

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો