Ahmedabad: ખોખરામાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં નીકળી ત્રિરંગા યાત્રા, હજારો લોકો જોડાયા

Har Ghar Tiranga: અમદાવાદમાં મહાનગરપાલિકાની 187 કરોડની વિકાસ કાર્યોના લોકાર્પણ બાદ CM ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીએ આ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, જેમાં હજારો લોકો જોડાયા હતા.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 09, 2022 | 8:39 PM

અમદાવાદ (Ahmedabad)માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 9 ઓગષ્ટે મહાનગરપાલિકાના 187 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યુ હતુ. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ની આગેવાનીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. મુખ્યમંત્રીએ આ ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યુ હતુ, જેમાં હજારો લોકો જોડાયા હતા. દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની હાલ ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત હર ઘર ત્રિરંગા યાત્રાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘરે ઘરે ત્રિરંગો લહેરાવવા માટે દેશવાસીઓને આહ્વાન કર્યુ છે ત્યારે પોતાનો દેશપ્રેમ વ્યક્ત કરવા લોકો ઉત્સાહથી આ ત્રિરંગા યાત્રા (Triranga Yatra)માં જોડાઈ રહ્યા છે.

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં નીકળી પગપાળા ત્રિરંગા યાત્રા

બાપુનગર વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહુર્તના કાર્યક્રમો પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રીની હાજરીમાં પગપાળા ત્રિરંગા યાત્રા યોજાઈ હતી. જેમા સમગ્ર બાપુનગરવાસીઓ દેશભક્તિમાં લીન થયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં લોકો હાથમાં ત્રિરંગા સાથે આ યાત્રામાં સહભાગી બન્યા હતા. વિશાળ જનમેદની વચ્ચે નીકળેલી આ ત્રિરંગા યાત્રા દરમિયાન તમામ રૂટ પર માત્ર રાષ્ટ્રધ્વજના જ દર્શન થઈ રહ્યા હતા. સમગ્ર બાપુનગર વિસ્તાર જાણે કે રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ ગયો હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા.

આ ત્રિરંગા યાત્રા લોકાર્પણ પ્રસંગે પણ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે કે આઝાદી મળ્યાના વર્ષો સુધી આઝાદી દિન જેવા રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ફક્ત સરકારી કાર્યક્રમ બની રહેતી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આવી ઉજવણી આજે રાષ્ટ્રીય તહેવાર તરીકે સૌ કોઈ ઉમંગ થી ઉજવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આરંભેલા “હર ઘર તિરંગા” અભિયાનમાં આજે જન-જન જ્ઞાતિ, જાતિ, ધર્મ નો ભેદભાવથી પર જઈને આ પર્વમાં હર્ષોલ્લાસ પૂર્વક જોડાઈ રહ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પણ 13 ઓગષ્ટથી 15 ઓગષ્ટ સુધી રાજ્યવ્યાપી ”હર ઘર ત્રિરંગા” અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો.

ઈનપુટ ક્રેડિટ- જિજ્ઞેશ પટેલ- અમદાવાદ

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati