મહેસાણામાં સરકારી હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની પાઈપો તસ્કરો ચોરી કરી ગયા
કોવિડ19 ની વધુ એક લહેરની સંભાવનાઓને ધ્યાને રાખીને હાલમાં જ રાજ્યના આરોગ્ય વિભાગ સજ્જ થયુ હતુ. જેને લઈ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન આવા જ તૈયાર કરવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવી દીધું છે. તસ્કરોએ ઓક્સિજન પ્લાન્ટની કોપરની પાઈપ ચોરી કરી જવાની ઘટના મહેસાણામાં સામે આવી છે.
તસ્કરોએ હવે ઓક્સિજન પ્લાન્ટને પણ છોડ્યા નથી. મહેસાણા જિલ્લાના નંદાસણમાં કોવિડ19ને લઈ સ્થાપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટને તસ્કરોએ નિશાન બનાવ્યો છે. સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સ્થાપવામાં આવેલ ઓક્સિજન પ્લાન્ટમાંથી તસ્કરો કોપર પાઈપની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે નંદાસણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો: લક્ષદ્વીપના ‘બોસ’ કોણ? ગુજરાતના દિગ્ગજ સંભાળે છે દરિયાઈ સૌંદર્ય ધરાવતા સ્થળનું પ્રશાસન, જાણો
સામૂહિક આરોગ્ય કેન્દ્ર પાછું નદાસણ પોલીસ મથકથી માત્ર 10 જ મીટર દુર છે. તસ્કરોએ પોલીસ મથકની બાજુમાં જ આરામથી ચોરી કરી જવાની ઘટનાથી દીવા તળે અંધારા જેવો ઘાટ ઘડ્યો છે. 18 જેટલી કોપર પાઈપની ચોરી થવાની ઘટનાને લઈ નંદાસણ પોલીસે ગુનો નોંધીને હવે તસ્કરોને ઝડપવા માટે કાર્યવાહી શરુ કરી છે.
