Rajkot: રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવેલી કોહિનૂર સોસાયટીમાં થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. ઘરમાં જ ઘરઘાટી તરીકે કામ કરતી યુવતી સહિત 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે જૂનાગઢ ભવનાથની તળેટીના એક ધર્મશાળામાંથી સુશીલા નેપાળી તેનો પ્રેમી પવનપ્રકાશ પદમ શાહી અને નેત્ર પદમ શાહી ત્રણેયને ઝડપીને મુદ્દામાલ કબ્જે કર્યો. પોલીસની તપાસમાં સામે આવ્યું છે, છેલ્લા બે મહિનાથી કામ કરતી યુવતીની પૈસાની જરૂર હોવાથી તેણે પ્રેમી અને અન્ય એક શખ્સની મદદથી દાગીના અને રોકડની લૂંટ ચલાવી હતી. અને દાગીના દાંતથી ચાવી નાંખ્યા, જેથી તેની ઓળખ ન થઇ શકે.
ગઇ કાલે કોહિનુર એપાર્ટમેન્ટમાં બપોરના સમયે ઘરઘાટી યુવતી સુશીલા નેપાળી અને તેની સાથે આવેલા બે શખ્સોએ લૂંટ ચલાવી હતી. ઘરમાં જ ફરિયાદીને ચાદર અને ચુંદડી વડે બાંધીને ડ્રોવરમાંથી 300 ગ્રામ સોનાના દાગીના અને રોકડ રૂપિયા 15 લાખની લૂંટ કરી હતી. આરોપી નેત્ર ઊંઘની ગોળી લાવ્યો હતો અને ફરિયાદીને દૂધમાં 10 ઉંઘની ગોળી નાંખીને પીવડાવી દીધી હતી. પોલીસની માહિતી પ્રમાણે, લૂંટ કર્યા બાદ શંકા ન જાય તે માટે શખ્સોએ ઘરમાં જ કપડાં બદલી લીધા અને બાદમાં તેઓ પોતાની રહેણાંક ઓરડીમાં ગયા.
આ પણ વાંચો : વાવાઝોડાની ગંભીર સ્થિતિ વચ્ચે લોકો બેદરકાર, જુઓ Video
ત્યાંથી જરુરી સામાન લઇને ગોંડલથી ગુંદાળા ચોકડી સુધી રીક્ષામાં મુસાફરી કરી. જે બાદ ખાનગી બસમાં તેઓ જૂનાગઢ પહોંચ્યા હતા. પોતાની ઓળખ છુપાવવા માટે ખોટું આધાર કાર્ડ આુપ્યું હતું. જો કે પોલીસ આરોપી પાસે રહેલા મોબાઇલ ફોન લોકેશન અને CCTV મદદથી ત્રણેયને ઝડપી પાડ્યા. ઉલ્લેખનીય છે, કોઇ પણ વ્યક્તિને ઘરમાં કામે રાખતા પહેલા તેની તમામ માહિતી જાણી લેવી અને જરૂરિયાત મુજબ પોલીસ વેરીફિકેશન પણ કરાવી દેવું જેથી લૂંટ-ચોરી જેવા બનાવો સામે સાવચેતી રાખી શકાય છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો