રાજકોટ ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ, સંકલન બેઠકમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે થઈ તુતુ-મેંમે- Video
છેલ્લા કેટલાય સમયથી રાજકોટ ભાજપમાં બધુ બરાબર નથી ચાલી રહ્યુ અને વારંવાર કોઈને કોઈ વિવાદો સામે આવતા રહે છે. આ વખતે મેયર અને ધારાસભ્ય વચ્ચે સંકલન બેઠકમાં રકઝક થઈ હોવાના દાવા થઈ રહ્યા છે જો કે મેયર અને ધારાસભ્ય દર્શિતા શાહ બંનેએ આ આક્ષેપોનું ખંડન કર્યુ છે.
રાજકોટ ભાજપમાં છેલ્લા કેટલાય મહિનાઓથી જૂથવાદ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌર ચાલી રહ્યો છે. ક્યારેક અહીં પત્રિકા કાંડ સામે આવે છે તો ક્યારેક સાંસદ ખુદ આક્ષેપો પર ઉતરી આવે છે. હજુ મહાકુંભ સમયે જ મેયરની સરકારી ગાડીનો વિવાદ સામે આવ્યો હતો જેમા મેયરે એવો આક્ષેપ કર્યો હતો કે તેમણે સરકારી ગાડીનો ઉપયોગ કર્યો અને તેઓ પુરેપુરુ બિલ પણ ચુકવવાના છે પરંતુ આ તો તેમને ટાર્ગેટ કરવા માટે જ આ વિવાદ ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે ફરી એકવાર મેયર અને ધારાસભ્ય દર્શિતા શાહનો વચ્ચે રકઝક થઈ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. પાર્ટીની સંકલન બેઠકમાં મેયર અને ધારાસભ્ય વચ્ચે તુંતું-મેંમે થઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. જો કે મેયર નયનાબેન પેઢડિયા અને ધારાસભ્ય બંનેએ આ આક્ષેપો નકાર્યા છે.
જૂથવાદના આરોપને લઈને ધારાસભ્ય અને મેયર બંનેએ આરોપો નકાર્યા છે. મેયરે જણાવ્યુ કે સંકલન બેઠક બાદ આમંત્રણ પત્રિકાને લઈને ચર્ચા થઈ હતી. અમારી વચ્ચે કોઈ જ વિવાદ નથી. ઘર હોય તો વાસણ ખખડે પણ ખરા… એ કોઈ મોટો મુદ્દો નથી. આ તરફ દર્શિતા શાહે જણાવ્યુ કે કંઈ જ બન્યુ નથી. કોઈ જ વિવાદ થયો નથી.
જો કે આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર દિવાળી કાર્નિવલના કાર્યક્રમની પત્રિકાને લઇને વિવાદ સામે આવ્યો છે, જેમા કાર્નિવલની પત્રિકામાં માત્ર એક જ ધારાસભ્ય દર્શિતા શાહનું નામ લખવાનુ કહેતા બબાલ થઈ હતી. ધારાસભ્ય શાહે અન્ય ધારાસભ્યોના નામ લખવા અંગે વિરોધ નોંધાવ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રેસકોર્સના કાર્યક્રમો પશ્વિમ વિધાનસભામાં હોવાથી માત્ર ડૉ.દર્શિતા શાહનું જ નામ રહે તેવી ધારાસભ્યની જીદ હોવાની ચર્ચા થતા બંને વચ્ચે રકઝક થઈ હોવાની માહિતી સામે આવી છે.
Input Credit- Mohit Bhatt- Rajkot