તલાટીઓની હડતાળ મુદ્દે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાનું નિવેદન, ગ્રેડ પેના પ્રશ્નને લઈને નાણાંકીય વિભાગની મંજૂરી અનિવાર્ય છે

રાજ્યના 8500 તલાટી મંત્રીઓ તેમની પડતર માગણીઓ મુદ્દે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી ગયા છે ત્યારે પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે કે સરકાર ગામડાઓમાં પંચાયત વિભાગ હસ્તકની સેવાઓ ન ખોરવાય તે માટે સરકાર જરૂરી પગલા લઈ રહી છે.

TV9 GUJARATI

| Edited By: Mina Pandya

Aug 02, 2022 | 5:27 PM

રાજ્યભરના 8500 જેટલા તલાટી(Talati)ઓ તેમની પડતર માગણીઓ સંદર્ભે અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. ત્યારે રાજ્યના પંચાયત મંત્રી(Panchayat Minister) બ્રિજેશ મેરજાએ તલાટીઓના તમામ પ્રશ્નોનુ નિરાકરણ કરવાની ખાતરી આપી છે. તલાટી મંત્રીઓના પ્રશ્નોના સમાધાન માટે સરકાર હકારાત્મક હોવાનુ બ્રિજેશ મેરજા (Brijesh Merja)એ જણાવ્યુ છે. ગ્રેડ પે (Grade Pay)ના પ્રશ્નને લઈને નાણાંકિય વિભાગની મંજૂરી અનિવાર્ય છે. ગામડાઓમાં પંચાયત વિભાગ હસ્તની સેવાઓ ન ખોરવાય તે માટે સરકાર જરૂરી પગલા લઈ રહી છે તેમ પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ છે. નવી ભરતી માટે બે તબક્કામાં પરીક્ષા બાકી છે, જેનુ યોગ્ય આયોજન ચાલી રહ્યુ હોવાનું મંત્રી મેરજાએ જણાવ્યુ છે. આ નવી ભરતીની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવો દાવો પણ મેરજાએ કર્યો છે.

રાજ્ય સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યુ કે તમામ તલાટીઓના પ્રશ્નોના સમાધાન માટે સરકાર હકારાત્મક છે અને તેમની મોટાભાગની માગણીઓ પૂર્ણ કરવામાં આવી છે. 700થી વધુ આંતર જિલ્લા ફેરબદલીઓ કરી મુખ્ય માગણી ટૂંક સમયમાં પૂર્ણ કરવાની મેરજાએ ખાતરી આપી છે. વર્ષ 2004માં તલાટી નોકરીમાં જોડાયા હોય તેમની સળંગ નોકરી ગણવી સહિતના મુદ્દાઓ સંદર્ભે તલાટીઓની સરકાર સાથે વાટાઘાટો કરી હતી. તલાટીના ભથ્થા વધારવાની માગ મુદ્દે નાણાંકિય વિભાગ સાથે ચર્ચા કરાઈ રહી છે. ગ્રેડ પે પ્રશ્નને લઈને નાણાંકિય વિભાગની મંજૂરી અનિવાર્ય હોય છે તેમ મેરજાએ જણાવ્યુ હતુ.

આપને જણાવી દઈએ કે તલાટીઓની હડતાળને પગલે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાઈ છે. આ તરફ તલાટી મહામંડળનું કહેવુ છે કે 9 મહિના પહેલા સરકારે તમામ પ્રશ્નો ઉકેલવા ખાતરી આપી હતી, તે સમયે હડતાળ પર ન જવા સરકાર દ્વારા અપીલ કરાઈ હતી. પરંતુ સરકારે હજુ સુધી વચન પુરુ ન કરતા તેઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati