બનાસકાંઠાના પાલનપુરમાં આબુરોડ હાઇવે પર ઓલા કંપનીના શોરૂમ સામે ગ્રાહકો જાતે જ પોતાના સ્કૂટરમાં આગચાંપીને. અનોખો વિરોધ નોંધાવ્યો. ગ્રાહકનો દાવો છે કે ગઈકાલે જ્યારે તે સ્કૂટર પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ સ્કૂટરનું સ્ટિયરિંગ અલગ થઈ ગયું હતું. ગ્રાહકનો આરોપ છે કે..પોતે 10ની સ્પીડ જતા હતા ત્યારે અચાનક સ્કૂટરથી સ્ટિયરિંગ અલગ થઈ ગયું વાહનની સ્પિડ ઓછી હોવાથી તેઓ બચી ગયા પરંતુ ખામીયુક્ત વાહનના કારણે કોઈપણ ગ્રાહકનો જીવ જઈ શકે છે..આ દુર્ઘટના બાદ ગ્રાહકે શોરૂમના સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ ગ્રાહકનો આરોપ છે કે સંચાલકોએ યોગ્ય જવાબ આપ્યો નહીં. રજૂઆત ન સાંભળતા ગ્રાહકે કંટાળીને શોરૂમની સામે જાતે જ પોતાના ઓલા સ્કૂટરમાં આગ લગાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકે કહ્યું કે આવા ખામીયુક્ત વાહનની મારે જરૂર નથી એટલા માટે હવે મે જાતે જ સ્કૂટરને આગને હવાલે કર્યું છે.
જો કે આ પહેલીવાર નથી કે ઈસ્કૂટરને લઈને સેંકડો ગ્રાહકો ફરિયાદ કરી ચુક્યા છે. ક્યારેક ચાર્જિંગના ધાંધિયા તો અવારનવાર આગ લાગવાના બનાવો સામે આવી ચુક્યા છે. ઈવી સ્કૂટરને ચાર્જમાં રાખ્યુ હોયને જાતે જાતે જ આગ પકડી લે તેવા પણ અનેક બનાવો સામે આવી ચુક્યા છે. ત્યારે સવાલ એ છે કે વાયુ પ્રદૂષણ રોકવા માટે પ્રધાનમંત્રી મોદી ખુદ લોકોને ઈ-વાહનો તરફ વળવા માટે કહી ચુક્યા છે પરંતુ તેની સર્વિસના ધાંધિયા હોવાથી અને ખરીદ્યા બાદ વેપારીઓ પણ હાથ અધ્ધર કરી દેતા હોવાથી લોકોની કફોડી સ્થિતિ થઈ જાય છે.