ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સુરતના (Surat) રાજકારણમાં મોટી હલચલ થઈ રહી છે. પાસ નેતા અલ્પેશ કથિરીયા (Alpesh Kathiria)ભાજપમાં (BJP) જોડાય તેવી જોરદાર ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ કથિરીયાની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે કોંગ્રેસ (Congress)પણ હરકતમાં આવી છે. વરિષ્ઠ નેતાઓના ઈશારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયાને મળીને પક્ષમાં જોડાવવાનું આમંત્રણ પાઠવ્યું.
કોંગ્રેસના ધારાસભ્ય લલિત કથગરા, લલિત વસોયા, કિરીટ પટેલ, પ્રતાપ દૂધાતે અલ્પેશ કથિરીયા સાથે મુલાકાત કરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અલ્પેશ કથિરીયા રાજકારણમાં જોડાય તે મુદ્દે ચર્ચા-વિચારણા કરી હતી. આ મુદ્દે અલ્પેશ કથિરીયાએ કહ્યું કે સમાજના આગેવાનો સાથે રાજકીય મુદ્દે ચર્ચા થઈ છે. જોકે પાટીદાર આંદોલનના બાકી મુદ્દા ઉકેલાય તે સૌથી અગત્યનું છે.
રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનનું એપિસેન્ટર સુરત છે. સુરત અને સૌરાષ્ટ્રના પાટીદારોમાં આંદોલનથી ઉભરેલો અલ્પેશ કથિરીયા એક લોકપ્રિય ચહેરો છે. સુરતમાં પાટીદાર અનામત આંદોલન વખતે અલ્પેશ કથિરીયાએ કમાન સંભાળી હતી. વ્યવસાયે વકીલ એવા અલ્પેશ કથિરીયા પરિવાર સાથે સુરતમાં સ્થાયી થયા છે. અલ્પેશ કથિરીયા હાલમાં PAASના મુખ્ય કન્વીનર છે. બે વખત જેલમાં જઈ આવેલા અલ્પેશ કથિરીયાએ સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં AAPને સપોર્ટ કર્યો હતો.
સુરત મનપા ચૂંટણીમાં AAPના પાટીદાર ઉમેદવારો જીત્યા. AAP સુરતમાં મુખ્ય વિપક્ષ બન્યું હતું. રાજ્યમાં અનામત આંદોલન બાદ હાર્દિક પટેલની લોકપ્રિયતા ઓછી થઈ છે. જેથી કોંગ્રેસના નેતૃત્વની નજર પાટીદાર યુવા ચહેરા અલ્પેશ કથિરીયા પર મંડાઈ છે. અલ્પેશ કથિરીયા હાલ કોઇ રાજકીય પાર્ટી સાથે જોડાયા નથી. પરંતુ લડાયક અને યુવાનોમાં જાણીતા ચહેરા અલ્પેશ કથિરીયાને પોતાની પાર્ટીમાં જોડવા ભાજપ, કોંગ્રેસ અને AAP પ્રયાસ કરી રહ્યાં છે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં રેવ પાર્ટી કરતા ગુજરાત CID ક્રાઇમના PI સહિત 24 લોકોની ધરપકડ