Bhavnagar : આનંદનગર વિસ્તારમાં ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી, કાટમાળમાં દટાઈ એકનું મોત, જુઓ Video
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગુણાતીત નગર ખાતે આવેલું એક ત્રણ માળનું જૂનું અને જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થયું હતું. આ કરુણ ઘટનાને કારણે કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું,
ભાવનગરના આનંદનગર વિસ્તારમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં ગુણાતીત નગર ખાતે આવેલું એક ત્રણ માળનું જૂનું અને જર્જરિત બિલ્ડિંગ અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં કાટમાળ નીચે દટાઈ જવાથી એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાસ્થળેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર, ધરાશાયી થયેલું મકાન ગુજરાત હાઉસિંગ બોર્ડનું હતું અને છેલ્લા ઘણા સમયથી જર્જરિત અવસ્થામાં હતું. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તંત્ર પર બેદરકારીના આરોપો લગાવ્યા હતા, કારણ કે આવા જર્જરિત મકાનોને મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને તેમના નળ-ગટર કનેક્શન તેમજ વીજળી પણ કાપી નાખવામાં આવી હોવા છતાં ગરીબ પરિવારો ભાડા કે સ્થળાંતરની વ્યવસ્થા ન હોવાને કારણે તેમાં રહેવા મજબૂર હતા.
ત્રણ માળનું બિલ્ડિંગ ધરાશાયી
દુર્ઘટનાની જાણ થતાં જ ભાવનગર મહાનગરપાલિકાની ટીમ, ફાયર બ્રિગેડના જવાનો અને પોલીસ વિભાગની ટીમો તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી. બચાવ કામગીરીને વેગ આપવા માટે ચારથી પાંચ જેટલા જેસીબી મશીનોને કામે લગાડવામાં આવ્યા હતા. ભાવનગરના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ સહિતના મહાનગરપાલિકાના શાસક અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ ઘટનાને અત્યંત સંવેદનશીલ અને કરુણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે ફાયર વિભાગને ફોન આવતાની સાથે જ ટીમ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને બે લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમણે પુષ્ટિ કરી હતી કે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોના સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવતાં તેમને નોટિસ આપવામાં આવી હતી અને કનેક્શનો કાપવામાં આવ્યા હતા, પરંતુ લોકો તેમાં રહેતા હતા.
