ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) શરુઆતમાં જ અનેક સ્થળે શ્રીકાર વર્ષા થઇ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ (Rain) પડ્યો છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. દાહોદ જિલ્લામાં પણ ગઇકાલથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે દાહોદના ભલોડ ગામમાં એક જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. જેના કાટમાળ નીચે દબાતા એકનું મોત થયુ છે. જ્યારે ત્રણ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
દાહોદ જિલ્લામાં ગઇકાલે એટલે કે મંગળવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે વરસાદના કારણે દાહોદના ભલોડ ગામે જર્જરિત મકાનની દિવાલ ધરાશાયી થઇ હતી. આ ઘટના બનતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. આ ઘટનામાં મકાનના કાટમાળ નીચે ચાર લોકો દબાઇ ગયા હતા.
ઘટના બનતા જ આસપાસથી દોડી આવેલા લોકોએ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી. જો કે કાટમાળ નીચે દબાતા એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયુ હતુ. જ્યારે કાટમાળ નીચે દબાયેલા અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
જર્જરિત દિવાલ નીચે એક જ પરિવારના સૌ દટાયા હતા. ઘટનામાં એક સભ્યનું મોત થતા પરિવાર સહિત આસપાસના લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યા છે. તો સારવાર લઇ રહેલા લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.