રાજકારણના અઠંગ ખેલાડી અને હંમેશા પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા નીતિન પટેલે ફરી એક મમરો મુકી ચર્ચા જગાવી છે. આ વખતે નીતિન પટેલે પોતાના જ પક્ષ પર નિશાન સાધ્યુ છે. કડીના ડરણ ગામે નૂતન વિદ્યાલયમાં નીતિન પટેલે એવુ બોલ્યા કે સહુ કોઈ વિચારતા થઈ ગયા કે આખરે આ ઈશારો કોના તરફ કરવામાં આવ્યો છે.
નીતિન પટેલે કહ્યુ કે જમીન દલાલોની જેમ રાજકારણમ પણ દલાલો છે. આ દલાલો ભાજપની ઓળખાણ આપીને ફટાફટ પોતાના કામ કરાવી લે છે. ભાજપનો કાર્યકર અને નેતા છુ એવુ કહી અધિકારીઓ સાથે ઓળખાણ બનાવે છે. ભાજપે સરકારે બહુ બધાને બહુ મોટા અને સુખી કર્યા છે. દલાલી કરતા કરતા બધા કરોડપતિ થઈ ગયા છે. ત્યારે નીતિન પટેલે આ ગર્ભીત ઈશારો કોના તરફ કર્યો તે મોટો સવાલ છે.
જો કે નીતિન પટેલના આ નિવેદનને કોંગ્રેસના મનિષ દોશીએ ભાજપની વ્યથા અને ભ્રષ્ટાચારની કથા ગણાવી છે. તેમણે કહ્યુ ભાજપનો ખેસ પહેરો અને લૂંટનું લાઈસન્સ લઈ જાઓ તેવી હાલ ભાજપની નીતિ છે. ગુજરાતમાં હાલ એવી એકપણ યોજના જોવા મળતી નથી જેનો લાભ લેવા હોય તો ભ્રષ્ટાચાર વગર મેળ ન પડે. દરેક વિભાગમાં એજન્ટ પ્રથા વ્યાપી છે. ભાજપનો ખેસ પહેરેલા લૂંટના લાઈસન્સ ધારકો જ આ કરી રહ્યા છે. છેલ્લા 25 વર્ષમા બેફામપણ કૌભાંડો થયા, કાંડ થયા તેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાતા રહ્યા છે. હવે જવાબ આપવાને સમય પાકી ગયો છે. 6000 કરોડનું કૌભાંડ કરનારો ભૂપેન્દ્રસિંહ ઝાલા પણ ભાજપ સાથે સંકળાયેલો હતો, નકલી PMO બનીને ફરતો કોનમેન પણ ભાજપ સાથે જોડાયેલો હતો. મોટાપાયે જમીન માફિયાઓ પણ ભાજપનો ખેસ પહેરીને બેફામ ખનિજ ચોરી, માટી ચોરીનું કૌભાંડ ચલાવી રહ્યા છે.