ગુજરાતના 29 શહેરમાં રાત્રી કરફ્યુ, તમામ એપીએમસી બંધ, ધાર્મિક સ્થળોએ જાહેર જનતા માટે પ્રવેશ બંધ, 50 ટકા ક્ષમતાએ બસ ચલાવવા નિર્ણય

હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ શહેરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી રાત્રી કરફ્યુ રહેશે.

  • Bipin Prajapati
  • Published On - 15:27 PM, 27 Apr 2021
ગુજરાતના 29 શહેરમાં રાત્રી કરફ્યુ, તમામ એપીએમસી બંધ, ધાર્મિક સ્થળોએ જાહેર જનતા માટે પ્રવેશ બંધ, 50 ટકા ક્ષમતાએ બસ ચલાવવા નિર્ણય
એપીએમસી માકેર્ટ બંધ

ગુજરાતમાં સુનામીની માફક ચોમેર ફરી વળેલ, કોરોના મહામારીને કારણે, ગુજરાત સરકારે વધુ નવ શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, અનાજની લે વેચ કરતા ગુજરાતભરના તમામ એપીએમસી બંધ કરવા અને પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ માત્ર 50 ટકાની ક્ષમતાએ જ ચલાવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં વધુ નવ શહેર, હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ શહેરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના છ વાગ્યા સુધી કરફ્યુ લગાવવાનો નિર્ણય કર્યો છે. અગાઉ રાજ્યના આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર સહીત કુલ 20 શહેરોમાં કરફ્યુ લગાવવામાં આવ્યો હતો.

આજે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં, ગુજરાતના 29 શહેરોમાં આગામી 5મી મે 2021 સુધી રાત્રી કરફ્યુ લગાવવાની જાહેરાત કરવા ઉપરાંત કેટલાક વધુ કડક નિયંત્રણો લાદવાનો પણ નિર્ણય કર્યો છે. અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.

રાત્રી કરફ્યુ વાળા ૨૯ શહેરોમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે.

તમામ ૨૯ શહેરોમાં મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, સિનેમા હોલ, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે. સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.

સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતા માટે પ્રવેશ બંધ રહેશે. માત્ર ધાર્મિક સ્થળોના સંચાલકો અને પૂજારીઓ, ધાર્મિક સ્થળોએ પૂજાવિધિ કરી શકશે. સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં લગ્ન પ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ ૫૦ વ્યક્તિઓ જ હાજર રહી શકશે અને અંતિમવિધિમાં ૨૦ વ્યક્તિઓ જ હાજર રહી શકશે.