Narmada : નર્મદાના પાણી મુશ્કેલી લાવ્યા તાણી, પાક નિષ્ફળ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો, જુઓ Video
નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં 4000થી પણ વધુ એકરમાં પાણી ભરાતા ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. નર્મદા ડેમમાંથી છોડાયેલું પાણી ખેડૂતો માટે અભિશાપ બન્યું. આ પાણીને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સરકાર પાસે સહાયની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે.
Narmada : નર્મદા ડેમના (Narmada Dam) ઉપરવાસમાંથી ભારે પાણીનો પ્રવાહ આવતા સરદાર સરોવર ડેમના 23 ગેટ ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું. જેને લઈ મધ્ય રાત્રિએ લોકોના ઘરો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ધાનપોર, હજરપુર, ભદામ, તોરણા અને માંગરોળ સહિતના ગામોના ખેતરો જાણે મેદાન બની ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
તિલકવાડા તાલુકાના વડીયા ટેકરા, રેંગણ, વાસણ, મળસણ તથા વાડિયા સહિત કાંઠા વિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળતા ભારે નુકસાન થયું છે. આ પૂરના પાણીથી ખેતરમાં કેળ, કપાસ અને તુવેરના પાકમાં ભારે નુકશન થયું છે. પૂરની અસરથી કાંઠા વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. વાત ખેડૂતોની કરીએ તો ખેડૂતોએ બેંકમાંથી લોન લઈને ખેતી કરી હતી. ખેતીની ઉપજમાંથી સારી એવી આવક થશે તેવી આશા હતી. જે સપના પર હવે પાણી ફરી વળ્યું છે.
નર્મદા નદીના કાંઠા વિસ્તારોમાં 4000થી પણ વધુ એકરમાં પાણી ભરાતા ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. નર્મદા ડેમમાંથી છોડાયેલું પાણી ખેડૂતો માટે અભિશાપ બન્યું. આ પાણીને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ખેતરોમાં ફરી વળેલા પાણીને કારણે ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ત્યારે હવે સરકાર પાસે સહાયની અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે. ખેતરો અને ઘરોમાંથી તો પાણી ઓસર્યા પણ લોકોની આંખોના આંસુ સુકતા નથી.
