વડોદરામાં (Vadodara) કળાના નામે હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો મુદ્દો વધુ વકર્યો છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં (MS University) હિન્દુ દેવી-દેવતાઓના અપમાનિત ચિત્રો સામે વિરોધ કરનારા વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. શનિવારે સાંજે વિરોધ પ્રદર્શન કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ સહિત 31 સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં (Sayajiganj Police Station) ગુનો નોંધાયો છે. બીજી તરફ 5 મેના રોજ એમએસ યુનિવર્સિટીમાં કોન્સ્ટેબલને લાફો ઝીંકી દેવાના મામલામાં બે વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.
7 મે શનિવારના રોજ સાંજે આર્ટવર્કના નામે હિન્દુ દેવી-દેવતાના અપમાનનો મુદ્દે ABVPના કાર્યકરો, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસમાં ન્યાયની માગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમજ તપાસ રિપોર્ટ જાહેર કરવા ધરણા કર્યા હતા. તેમણે એમ.એસ.યુનિવર્સિટીને બીજી JNU નહીં બનવા દઇએ તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ABVPના કાર્યકરોએ માગ કરી હતી કે જ્યાં સુધી કમિટીએ શું તપાસ કરી એ વિશે નહીં જણાવાય ત્યાં સુધી અહીંથી નહીં જઇએ. સાથે સૂતળી બોમ્બ ફોડીને વિરોધ યથાવત્ રાખ્યો હતો. જેથી ફરી એકવાર યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે પોલીસનો મોટો કાફલો આવ્યો હતો અને ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓને કેમ્પસ છોડી બહાર નિકળવા કહ્યું હતું. જોકે વિદ્યાર્થીઓ પોતાની માગણી અડગ રહેતા પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ફરી એકવાર ઘર્ષણ થયું હતું. વિદ્યાર્થીઓને પોલીસ ગાડીઓમાં સયાજીગંજ પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.
તો બીજીતરફ 5 મેના રોજ ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સમાં હોબાળો થતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી આવ્યો હતો. આ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીએ શાંતિ જાળવવા અને ટોળાને વિખેરાઇ જવા સૂચનો આપ્યા હતા. તે સમયે કાર્તિક જોષી અને ધ્રુવ હર્ષદ પારેખ નામના શખ્સોએ તમે કોણ છો કહીને પોલીસને લાફા ઝીંકી દીધા હતા. આ મામલે પોલીસકર્મીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.