Junagadh: પ્રગતિશીલ બહેનોનું સ્વસહાય જૂથ, વંથલીથી અમેરિકા,કેનેડા સુધી કરે છે વેપાર

જૂનાગઢ જિલ્લાની પ્રગતિશીલ બહેનો હવે અમેરિકા, કેનેડા સુધી પોતાનો વેપાર કરે છે. વંથલી તાલુકાના કોયલી ગામનું ગોપી મંગલમ જૂથ એક સ્વસહાય જૂથ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2022 | 7:26 PM

Junagadh: જૂનાગઢ જિલ્લાની પ્રગતિશીલ બહેનો હવે અમેરિકા, કેનેડા સુધી પોતાનો વેપાર કરે છે. વંથલી તાલુકાના કોયલી ગામનું ગોપી મંગલમ જૂથ એક સ્વસહાય જૂથ છે. આ જૂથના માધ્યમથી ગ્રામિણ મહિલાઓ ગાયના ગોબર, દૂધ, દહી, ઘી, ગૌમૂત્રના ઉપયોગથી અવનવી આઇટમો બનાવી તેનું વેચાણ કરીને આત્મનિર્ભર બની છે. આ પ્રગતિશીલ બહેનો પોતે તો આત્મનિર્ભર બની છે સાથે સાથે આસપાસની જરૂરિયામંદ બહેનોને પણ આત્મનિર્ભર બનાવી રહી છે.

પ્રકૃતિને કોઈપણ પ્રકારનું નુકસાન ન પહોંચે તે ઉદ્દેશ્યથી આ જૂથ દરેક ભારતીય તહેવારને અનુરુપ પ્રોડક્ટ બનાવી તેને બજારમાં મુકે છે. ગાયના ગોબરમાંથી અવનવી રાખડીઓ, ગણેશ ઉત્સવ સમયે અનેક પ્રકારની ગણેશ મૂર્તિ તથા હાલના સમયમાં નોરતા અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે હવનના છાણા, દીવડા, લાભ-શુભ, કળશ, તોરણ, ટોડલીયા સહિતની સુશોભનની પ્રોડક્ટ બનાવી પોતાની એક આગવી ઓળખ આ આત્મનિર્ભર બહેનોએ ઉભી કરી છે.

ગ્રામીણ મહિલાઓનો ઉત્સાહ જોતા તંત્ર પણ મહિલાઓને શક્ય તમામ મદદ કરવા માટે કટિબદ્ધ બન્યું છે. જૂનાગઢ જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીએ આ સ્વસહાય જૂથના વિકાસ માટે ગૌ-જતન સંસ્થા સાથે MOU કર્યા છે. આ MOU થકી સ્વસહાય જૂથની મહિલાઓએ તૈયાર કરેલી પ્રોડક્ટને આંતરરાષ્ટ્રીય માર્કેટ મળશે. તથા આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી પ્રોડક્ટને દેશભરમાં બજાર મળે તે હેતુથી એમેઝોન પર પણ આ સ્વસહાય જૂથના પ્લેટફોર્મને લોન્ચ કરાયું છે.

તંત્રની પ્રતિબંદ્ધતા અને મહિલાઓની મહેનત રંગ લાવી છે. હાલમાં જ આ સ્વસહાય જૂથને ગોબરમાંથી બનેલા 5 હજાર દીવાનો અમેરિકા અને કેનેડાથી ઓર્ડર મળ્યો છે. આમ છેલ્લા 5 વર્ષથી કાર્યરત આત્મનિર્ભર મહિલાના જૂથે ભારતના વિવિધ રાજ્યો સાથે વિદેશમાં પણ પોતે બનાવેલી વસ્તુઓનું વેચાણ કરીને પોતાની એક આગવી ઓળખ ઉભી કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">