જસદણમાં સૌની યોજનાના પાણીએ ખેડૂતોને રડાવ્યા, ખેડૂતોના ના પાડવા છતા પાણી છોડી દેવાતા 20 વીઘા જમીનમાં પાક ધોવાયો- વીડિયો

જસદણમાં સૌની યોજનાના પાણીએ ખેડૂતોને રડાવ્યા, ખેડૂતોના ના પાડવા છતા પાણી છોડી દેવાતા 20 વીઘા જમીનમાં પાક ધોવાયો- વીડિયો

| Edited By: | Updated on: Jan 05, 2024 | 11:33 PM

રાજકોટ: જસદણ તાલુકાના આંબરડી ગામના ખેડૂતોએ ના પાડી હોવા છતા સૌના યોજના લીંકમાંથી પિયત માટે એટલુ બધુ પાણી છોડી દેવામાં આવ્યુ કે ઈતરીયા ગામના ખેડૂતોની 20 વીઘા જમીનમાં પાણી ઘુસી ગયા અને ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાઈ ગયો.

કુદરતી આફત આવે તો ખેડૂતો મદદ માગે પણ સરકારી બાબુઓની અણઆવડતને કારણે જ ખેડૂતોનો પાક ડૂબી જાય તો શું થાય તેનો જીવંત દાખલો રાજકોટના જસદણમાં જોવા મળ્યો. જસદણના આંબરડી ગામે ખેડૂતોએ ના પાડી હોવા છતાં સૌની યોજના લીંકમાંથી પિયત માટે એટલું બધું પાણી છોડવામાં આવ્યું કે ઈતરીયા ગામના ખેડૂતોની 20 વીઘા જેટલી જમીનમાં પાણી ઘૂસી ગયું. હવે ખેતરોનું પાણી આ ખેડૂતોની આંખોમાં પાણી લઈ આવ્યું છે.

અધિકારીઓની બેદરકારી અને અણઆવડતે આ ખેતરોમાં વાવેલા પાકનો સોથ વાળી દીધો છે. વાત જસદણ તાલુકાના આંબરડી ગામની છે જ્યાં સૌની યોજના લીંકમાંથી શિયાળુ વાવેતર કરવા માટે સિંચાઈ વિભાગે વોંકળામાં પાણી છોડ્યું.જેના કારણે ગઢડા તાલુકાના ઈતરીયા ગામના ખેડૂતોના ખેતરોમાં પાણી ઘુસી ગયા અને ખેતરો તળાવ બની ગયા. ખેતરોમાં ઉભેલો ઘઉં, જીરૂ, ચણા, જુવાર સહિતના પાકોનો સોંથ વળી જતા ખેડૂતોએ નુકસાનીનું વળતર ચુકવવા માગ કરી છે.

આ ખેડૂતોનું કહેવું છે કે તેમણે હજી તા. 21 નવેમ્બરે તો સૌની યોજનામાં રાજકોટના અધિકારીઓને લેખિત અરજી પણ કરી હતી, આ સિવાય આંબરડી તેમજ ગઢાળા ગ્રામપંચાયતમાં લેખિત અરજી આપીને જાણ પણ કરી હતી. છતાં જે તે અધિકારીઓએ ગરીબ ખેડૂતોની અરજીને ધ્યાનમાં લીધા વગર ગત 30 ડિસેમ્બરે વધારે પ્રમાણમાં પાણી છોડી દીધું. જેના કારણે ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને પાક ધોવાઈ ગયો છે. આ ખેડૂતોનું કહેવું છે કે તેમનું તો જીવન માત્ર ખેતી ઉપર આધારિત છે. ત્યારે હવે જીવનનું ગાડું કેમ ગબડાવવું એ જ એક મોટો સવાલ થઈને ઊભો રહ્યો છે.

આ ગામના ખેડૂતોનું કહેવું છે કે તેમને આ નુકસાનીનું અને પાકોનું પૂરતા પ્રમાણમાં વળતર ચુકવવામાં આવે…અને આવા બેજવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને બીજી વાર ખેડૂતો સાથે થતી આવી બેદરકારી અટકે.

Input Credit- Rajesh Limbasia- Jasdan