કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વસ્તુ થઈ શકે છે મોંધી, એસોસિએશને કોલ્ડ સ્ટોરેજના ભાડામાં કર્યો વધારો
કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં, કટ્ટા દિઠ રૂપિયા 10 વધારવાનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા કોલ્ડ સ્ટોરેજના ભાડામાં વધારો કરવાનો નિર્ણય કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની બેઠકમાં કરાયો છે. મજૂરી અને વીજ ખર્ચમાં વધારો થવાને કારણે કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને ભાડામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં, કટ્ટા દિઠ રૂપિયા 10 વધારવાનો નિર્ણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં 199 કોલ્ડ સ્ટોરેજ આવેલા છે.
કોલ્ડ સ્ટોરેજ એસોસિએશને કરેલ ભાડા વધારાના નિર્ણયને કારણે, કોલ્ડ સ્ટોરેજમાં ખાદ્ય ચીજવસ્તુઓનો સંગ્રહ કરનાર ખેડૂતોને વધુ ખર્ચ કરવો પડશે. જેનો બોજો હળવો કરવા માટે ખેડૂતો અને કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરનારાઓ ચીજવસ્તુના ભાવમાં વધારો કરશે. જેનો સીધો અર્થ એ થયો કે હવે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલ વસ્તુઓ મોંધી મળશે.
બનાસકાંઠા જિલ્લામાં આવેલા 199 કોલ્ડ સ્ટોરેજની સંગ્રહ શક્તિ 3 કરોડ 15 લાખ કટ્ટાની છે. હવે એસોસિએશને કટ્ટા દિઠ રૂપિયા 10ના કરેલા વધારાને જોઈએ તો ખેડૂતો અથવા તો વેપારીઓ કે જેઓ કોલ્ડ સ્ટોરેજમાં ચીજવસ્તુનો સંગ્રહ કરે છે તેમણે 31.50 કરોડ વધુ ચૂકવવા પડશે.
