ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપરલીક થયા બાદ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ મુદ્દે વધુ કેટલાક પૂરાવાઓ રજૂ કર્યા. અને યુવરાજસિંહે જણાવ્યું કે પેપરકાંડ પાછળ મુખ્ય વડોદરા અને અરવલ્લી ગેંગ સામેલ છે. તેમણે દાવો કર્યો કે દરેક પેપરલીકના તાર એકબીજા સાથે જોડાયેલા છે. આથી વર્ષ 2014 પછીની તમામ ભરતી પરીક્ષાઓની SIT અથવા CBI દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે
આપને જણાવી દઈએ કે, જુનિયર ક્લાર્ક પેપર લીક કૌભાંડમાં 17માં આરોપીની ધરપકડ કરાઈ છે. ઓરિસ્સાના સરોજ સીમાયલ માલુને વડોદરાની કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેના 10 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ATS દ્વારા કોર્ટમાં આરોપીના 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. આરોપી સરોજ ઓરિસ્સાના કરતનપલ્લીની યુજીએચ એસ સ્કૂલમાં શિક્ષકની નોકરી કરે છે. અગાઉ ઓરિસ્સામાં પોલીસ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયાના કૌભાંડમાં પણ સરોજ અને મુરારી નામના વ્યક્તિની સંડોવણી સામે આવી હતી. જેમાં એક ઉમેદવારને પાસ કરાવવા રૂપિયા 6 લાખનો ભાવ નક્કી કર્યો હતો. તો બીજી તરફ જુનિયર કલાર્કના પેપરલીક કાંડમાં આરોપી સરોજની કડીરૂપ ભૂમિકા સામે આવી છે.