અમદાવાદની સાલ કોલેજમાં ABVPની દાદાગીરી, હાજરી જેવી સામાન્ય બાબતમાં આચાર્યને પગે લાગવા મજબુર કરી દીધા

આ બાબતે ABVPના અક્ષત જયસ્વાલ સહિતના નેતાઓ આચાર્યની કેબિનમાં રજૂઆત કરવા ગયા હતા. અહીં, શાંતિથી રજૂઆત કરવાની વાત તો એકબાજુ રહી પણ ABVPના વિદ્યાર્થી નેતાઓની રકઝક અને દાદાગીરી કરવા લાગ્યા હતા.

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

May 13, 2022 | 1:53 PM

શિષ્ય ગુરૂને પગે લાગે, શિષ્ય ગુરૂનું સન્માન જાળવે તે આપણી પરંપરા છે પણ અમદાવાદની સાલ કોલેજમાં તેનાથી તદ્દન ઉલટા દ્રશ્યો જોવા મળ્યા છે. જ્યાં, શિષ્ય ગુરૂને નહીં પણ ગુરૂ શિષ્યને પગે લાગતા જોવા મળ્યા.સાલ કોલેજમાં ABVPના વિદ્યાર્થી નેતાઓની ખુલ્લી દાદાગીરી જોવા મળી. ABVPના વિદ્યાર્થી નેતાઓએ ન જાળવી ગુરૂ-શિષ્યના સંબંધની ગરિમા કે ન રાખ્યું ગુરુનું માન અને દાદાગીરી પર ઉતરી આવેલા ABVPના વિદ્યાર્થી નેતાઓએ આચાર્યને એટલી હદે મજબૂર કરી દીધા કે તેઓ બે હાથ જોડી પગે લાગવા માંડ્યા હતા.

વાત હતી, સાલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીની. આ બાબતે ABVPના અક્ષત જયસ્વાલ સહિતના નેતાઓ આચાર્યની કેબિનમાં રજૂઆત કરવા ગયા હતા. અહીં, શાંતિથી રજૂઆત કરવાની વાત તો એકબાજુ રહી પણ ABVPના વિદ્યાર્થી નેતાઓની રકઝક અને દાદાગીરીથી કંટાળેલા આચાર્ચ બે હાથ જોડી પગે લાગવા માંડ્યા. ગુરૂ-શિષ્યની ગરિમા અને સન્માનને લાંછન લગાડતો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. લોકો સુધી વીડિયો પહોંચતા ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. ત્યારે, આ ઘટના બાદ તે લોકોએ આચાર્યની માફી માંગી હોવાની વાત આગળ ધરી પોતાનો લુલો બચાવ કર્યો છે.

ABVPના વિદ્યાર્થી નેતાઓની દાદાગીરીને લઈ અનેક સવાલ ઉભા થયા છે. ABVPના વિદ્યાર્થી નેતાઓ કરતૂત કેટલી યોગ્ય છે ? ABVPની ‘આચાર્ય દેવો ભવઃ’ની ભાવના ક્યાં ખોવાઇ ગઇ ?કેમ ABVPના વિદ્યાર્થી નેતાઓ ભૂલ્યા ભાન ? ગુરૂ સમાન આચાર્ય સાથે આવું વર્તન કેટલું યોગ્ય ? કેમ આચાર્યને પગે પડવા કરાયા મજબુર ?શું ABVPના વિદ્યાર્થી નેતાઓને જરાય લાજશરમ ન આવી ?કેમ ABVPના વિદ્યાર્થી નેતાઓને ન જાળવી ગુરૂની ગરિમા ? તવા સવાલો ઉભા થઈ રહ્યા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati