અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં બાઈક ચોરી કરતી કિશોર ગેંગ ઝડપાઈ, હિંમતનગર LCBએ 8 ગુના ઉકેલ્યા

| Updated on: Feb 01, 2024 | 9:41 AM

સાબરકાંઠા એલસીબીએ એક કિશોર ગેંગને ચોરીના ત્રણ બાઈક લઈને રાજસ્થાન તરફ જતા જ ઝડપી લીધી છે. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે, બાઈક ચોરી આચરચી એક ગેંગ ચોરીના વાહનો લઈને જઈ રહી છે. જેને લઈ આ ટોળકીને હિંમતનગરના કાંકણોલથી ગાંભોઈ વચ્ચે આંતરીને ઝડપી લેવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લા LCB ને એક બાતમી મળી હતી કે, બાઈક ચોરી આચરતી ગેંગ ચોરીના વાહનો સાથે પસાર થઈ રહી છે. આ દરમિયાન LCB ની ટીમના ASI  દેવુસિંહ અને હિંમાંશુએ ટીમની સાથે મળીને હિંમતનગરના કાંકણોલ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન ત્રણ બાઈકો સળંગ આવી રહી હતી અને જેને આંતરીને રોકી લઈ ત્રણેય બાઈક સાથેના ચાર લબરમુછીયાઓની પૂછપરછ હાથ ધરી હતી. જ્યારે બાઈક વિશે તપાસ કરતા તે ચોરીની બાઈકો હોવાનું ધ્યાને આવ્યુ હતુ.

આ પણ વાંચો: શિક્ષણ જગતના જાણીતા ગામની સરકારી શાળામાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદની મંજૂરી આપવામાં 2 સપ્તાહ વિત્યા!

જેને લઈ PI એજી રાઠોડ અને PSI ડીસી પરમાર તથા PSI રાણાની ટીમ દ્વારા આ મામલે તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં ચારેય બાળક કિશોરે 8 જેટલી બાઈક ચોરી આચરી હોવાનું કબૂલ્યુ હતુ. જેમાં અમદાવાદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં બાઈક ચોરી કરી હોવાનું ખુલ્યુ હતુ. પોલીસે 8 બાઈક કબ્જે કર્યા છે અને તેમની સાથેના અન્ય આરોપી જીતુ ફુલચંદ અહારી અને જીતુ કાન્તી અહારી બંને રાજસ્થાનના ખેરવાડાના છે અને તેમને ઝડપી લેવા માટે તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jan 31, 2024 05:39 PM