મહેસાણામાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે કોરોનાની ત્રીજી લહેર અંગે મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે.

MEHSANA : મહેસાણા જિલ્લાના વિસનગરમાં રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેર અંગે મોટું નિવેદન આપ્યું છે. વિસનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત સમયે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે આ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બીજી લહેર કરતા અઢી ગણા કેસ આવે તો પણ તંત્ર સજ્જ છે. આરોગ્ય વિભાગ દ્વારા અઢી ગણી સુવિધા વધારવામાં આવી છે.અટલે કે, પહેલા 100 કેસ આવતા હોય અને હવે 250 કેસ આવશે તો પણ તમામ દર્દીઓને સારવાર મળી રહેશે.

આ નિવેદન અંગે આરોગ્ય પ્રધાનનું શબ્દશઃ નિવેદન જોઈએ તો તેમણે કહ્યું, ” લગભગ બીજી લહેરમાં ઓક્સિજન વાળા બેડની સંખ્યા, ICU અને દવાઓની સંખ્યા, ડોકટરો અને એ આખી અલાયદી સુવિધા…. જે બીજી લહેર દરમિયાન હતી, એના કરતા અઢી ગણી વધારે વ્યવસ્થા ….હું આંકડા બધા વ્યક્તિગત નહી આપું …પણ અઢી ગણા કેસો આવે …એટલે કે 100ની જગ્યાએ 250 કેસો આવે ત્યાં સુધી સરકાર અને સરકારી તંત્ર દ્વારા એક પણ જણને હોસ્પિટલમાંથી પાછુ જવું ન પડે એ રીતની વ્યસ્થાઓ કરવામાં આવી છે.”

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસની પ્રથમ લહેર અને બીજી લહેર દરમિયાન ઘણું બધું અવલોકન કરીને રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સુવિધાઓ વધારવામાં આવી રહી છે. ઓક્સિજન બેડ, ICU બેડ અને દવાઓનો સ્ટોક પણ વધારવામાં આવી રહ્યો છે. આ સાથે જ સંભવિત ત્રીજી લહેરમાં બાળકો પર આરોગ્યના જોખમને ધ્યાને લેતા હોસ્પિટલોમાં પીડિયાટ્રીક વોર્ડ પણ ઉભા કરવામાં આવ્યાં છે.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati