પંચમહાલ જિલ્લામાં આકાશમાં આશ્ચર્યજનક પ્રકાશપુંજ જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. આ પ્રકાશપુંજ એકદમ સીધી લાઈનમાં જોવા મળ્યો હતો. જાણે એક સાથે ઘણા બધા તારાઓ મળીને આકાશી પુંજ રચ્યો હોય તેવો નજારો આકાશમાં જોવા મળ્યો હતો.
આ જ પ્રકારની સીધી લાઇટ સુરત, ગાંધીનગર, સાબરકાંઠામાં પણ જોવા મળી હતી. આ નજારો જોઈને સ્થાનિક લોકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું કે આ ખરે આ પદાર્થ શું છે. અગાઉ પણ આ પ્રકારના ચમકતા પદાર્થો પંચમહાલમાં જોવા મળેલા છે ત્યારે આ તારા હતા કે ઉલ્કાના લિસોટા હતા તે ખગોળીય સંશોધનનો વિષય બનેલો છે.
અગાઉ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પણ આ પ્રકારની લાઇટ દેખાતા ચર્ચાનો વિષય બન્યો હતો. તે સમયે વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારે લાઇટ દેખાય કે ભેદી ધડાકા સંભળાય તે ક્યારેક અવકાશમાંથી તૂટી પડેલા ઉપગ્રહનો કોઈ ભાગ હોઈ શકે છે. કારણ કે આકાશમાં હજારો સેટેલાઇટ તરતા હોય છે. તેમાંથી કોઈ ભાગ તૂટી પડે તો પણ આ પ્રકારના તેજ લિસોટા દેખાતા હોય છે.
ફરીથી એક વાર આ પ્રકારની ઘટના સામે આવતા આ બાબત ખગોળીય તપાસનો વિષય બન્યો છે. ત્યારે અવકાશ વૈજ્ઞાનિકોએ આ અંગે વધુ તપાસ કરીને આ લાઇટ જેવો પ્રકાશ પુંજ આખરે શું છે તે અંગે વિશેષ માહિતી આપી શકશે.