વાવ થરાદના ખેડૂતોની દયનિય સ્થિતિ, એક મહિનો વિત્યા બાદ પણ ખેતરોમાંથી નથી ઓસર્યા પૂરના પાણી
વાવ થરાદ જિલ્લામાં એક મહિના પહેલા એકસામટો 9 થી 10 ઈંચ વરસાદ ખાબકી જતા ઠેર-ઠેર પૂરની સ્થિતિ સર્જાઈ હતી. આ પૂરના પાણી એક મહિના બાદ પણ ખેતરોમાં જેમના તેમ ભરાયેલા છે. હજુ ઓસર્યા નથી જેના કારે ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની છે.

વાવ થરાદને જિલ્લો તો બનાવી દેવાયો પરંતુ જિલ્લા કક્ષાની સુવિધાના નામે અહીં 10 માંથી માર્કસ આપવાના હોય તો શૂન્ય માર્ક્સ મળે. કારણ કે અહીં એક મહિના પહેલા આવેલા વરસાદી પૂરના પાણી જેમના તેમ છે. વાવ થરાદ જિલ્લાના ભાયર અને લેડાઉ ગામની સીમમાં વરસાદે વિરામ લીધાના એક મહિના બાદ પણ પાણી ઓસર્ય નથી. જેના કારણે અસરગ્રસ્ત ખેડૂતો એક મહિના બાદ પણ આશ્રિત બનીને જીવી રહ્યા છે. આ વિસ્તારમાં આશરે 300 થી વધુ હેક્ટર જમીનમાં કેડસમા પાણી ભરાયેલા છે. તંત્રની લાપરવાહીની એ હદે છે કે એક મહિના સુધી આ પાણીના નિકાલનો કોઈ રસ્તો કરી શકી નથી. ખેડૂતોએ સજળ આંખોએ અનેકવાર રજૂઆતો કરી પરંતુ તંત્રને તેની કંઈ પડી નથી. હવે તો આ ખેડૂતોની આંખો પણ રડી રડીને થાકી છે પરંતુ એક મહિના બાદ પણ તેમની સમસ્યાનુ કોઈ સમાધાન આવ્યુ નથી.
આ ખેડૂતોની ફરિયાદ સાંભળનારુ જાણે કોઈ છે જ નહીં. જે સમયે પૂર આવ્યુ ત્યારે જુદા જુદા પક્ષના નેતાઓ આવ્યા અને ફોટા પડાવીને જતા રહ્યા પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં એકપણ નેતાને રસ નથી. પૂર સમયે પૂરના પાણીમાં ઉતરીને ફોટા પડાવનારા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરને પણ અત્યારે કેમ આ ખેડૂતોની પીડા દેખાતી નથી તે એક મોટો સવાલ છે.
વાવ થરાદ જિલ્લામાં પૂરની સમસ્યા આ પહેલીવાર નથી સર્જાઈ. વર્ષ 2015 અને 2017માં આવેલા પૂરમાં પણ આજ સ્થિતિ હતી. ત્યારે પણ ખેડૂતોએ જાતે પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી. સમસ્યાના કાયમી નિરાકરણની માગ કરી હતી. પરંતુ ગરીબ ખેડૂતોની સમસ્યા સામે તંત્રએ આંખ આડા કાન કરી દેતા 2025માં આવેલા પૂરમાં ફરી ખેડૂતો એજ મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે પાક નુકસાનના વળતરની જાહેરાત કરી છે. પરંતુ ભાચર અને લેડાઉ ગામના ખેડૂતો કહી રહ્યા છે કેતેમને વળતર નથી જોઈતુ તેમની એક જ માગ છે કે સરકાર તેમના ખેતરમાંથી પાણીનો નિકાલ કરી આપે.
બદલાતી આબોહવા અને ગ્લોબલ વોર્મિંગ અસર ઋતુચક્ર પર પણ થઈ છે. જેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે. વાવ-થરાદમાં વરસેલા વરસાદે ખેડૂતોને ભારે મુશ્કેલીમાં મુકી દીધા છે. ત્યારે જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોની સમસ્યાનું સમાધાન ક્યારે લાવે છે.