સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના મોત
સાપુતારા ઘાટ માર્ગ પર લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર કુલ 5 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એકની હાલત ગંભીર છે. કારમાં 3 મહિલા, એક પુરુષ અને એક બાળકી સવાર હતા.
સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારમાં સવાર 5 લોકોમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. લાકડા ભરેલી ટ્રક કાર ઉપર ફરી વળતાં આ કરૂણ ઘટના બની હતી. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ પણ વાંચો સુરત : દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વિઝિબ્લિટીમાં ઘટાડો, વાહનો ધીમી ગતિએ દોડ્યા, જાણો કેમ?
ગિરિમથક સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગુરુવારે સાંજે 4 વાગ્યે સાપુતારાથી અમદાવાદ જતી પ્રવાસી કારને મહારાષ્ટ્રથી લાકડાનો જથ્થો ભરી દહેગામ જતા ટ્રકના ચાલકે અચાનક સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા ટ્રક આગળ જઈ રહેલ ક્રેટા કાર પર પલ્ટી જતાં 2 મહિલા, 1 પુરુષ અને એક બાળક મળી કુલ 4 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા 108 દ્વારા સામગાહન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે.
અકસ્માતની જાણ સાપુતારા પોલીસને થતાં તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સ્થાનિકો સાથે અકસ્માતમાં ફસાયેલા પ્રવાસીઓની બચાવ કામગીરીમાં જોડાયા હતા. અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા. જ્યારે એક મહિલાને ગંભીર ઇજા પહોંચતા સામગાહન સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, જ્યાં તેમની સ્થિતિ બગડતા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
