Surendranagar : લાંચ અને ખોટી રીતે લાભ (Corruption) કરાવવા મામલે CBIએ સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર કે. રાજેશની (K Rajesh) ધરપકડ કરી છે. આ કેસમાં સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમા પટેલે 11 મેએ 27 મુદ્દા સાથેનો 15 પાનાંનો એક પત્ર લખી કે. રાજેશની નાણાકીય ગેરરીતિનો ઘટસ્ફોટ કર્યો હતો. આ પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીને લખવામાં આવ્યો હતો અને કે.રાજેશ વિરુદ્ધ સીબીઆઇ તપાસની માગ કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર વખત સાંસદ અને લીંબડી અને વિરમગામ વિધાનસભા વિસ્તારમાં (Assembly Seat) ત્રણ વખત ધારાસભ્યપદે રહી ચૂકેલા પૂર્વ સાંસદ સોમા પટેલે પીએમઓ (PMO) કાર્યાલયમાં 11મી મે 2022ના રોજ લેખિત રજૂઆત કરી હતી.
જેમાં સરકારી જમીનના પ્લોટની ફાળવણી, ૩૦થી વધુ સરકારી કર્મચારીઓને ગેરકાયદેસર હથિયારોના પરવાના આપવા, 14 બિન ખેડૂતને ખેડૂત ખાતેદાર બનાવવા, કુલ ૩ સરકારી જમીનનું દબાણ નિયમિત કરવા સહિતની બાબતોમાં કે.રાજેશે (IAS K Rajesh) ગેરરીતી કરી હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં સોમા પટેલનો દાવો છે કે, અત્યાર સુધીમાં તેઓ કલેક્ટર વિરૂદ્ધ કુલ 141 અરજી કરી ચુક્યા છે. સોમા પટેલનો આરોપ છે કે, કે. રાજેશે ખાંડીયામાં ફોરેસ્ટની 900 વીઘા કરતા વધુ જમીન માત્ર 1 રૂપિયા ના ટોકન ભાડે 30 વર્ષ માટે આપી છે. અને એ પણ ફોરેસ્ટ વિભાગની મંજૂરી વગર.એટલું જ નહીં સોમા પટેલનો આરોપ છે કે, 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક કાર્યક્રમ યોજાયો હતો. વડાપ્રધાનના આ કાર્યક્રમનો ખર્ચ 7 કરોડ રૂપિયા દર્શાવાયો હતો. સોમા પટેલનો દાવો છે કે, અત્યાર સુધીમાં વડાપ્રધાનના કોઈ પણ કાર્યક્રમનો ખર્ચ દોઢ કરોડથી વધુ નથી થયો.