સામાન્ય રીતે નવરાત્રી આવતા સુધીમાં ચોમાસુ વિદાય લઈ લેતુ હોય છે. પરંતુ રાજ્યમાંથી મેઘરાજા હાલ વિદાય લેવાના મૂડમાં જરા પણ દેખાઈ રહ્યા નથી. નવરાત્રીના છેલ્લા 3, 4 નોરતાને ધોઈ નાખ્યા બાદ હવે ચોમાસુ દિવાળીમાં પણ વરસાદ વરસવાની વકી આગાહીકાર અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 13 ઓક્ટોબરથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. 18 થી 20 ઓક્ટોબર દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બની શકે છે. 23 ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફુંકાશે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ મોસમનો બેવડો માર સહન કરવો પડી શકે છે.
દિવાળી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે અને હિંદુઓનો સૌથી મોટો તહેવાર ગણાય છે. જો કે ગુજરાતીઓ માટે આ તહેવાર વધુ ખાસ બની રહે છે કારણ કે ગુજરાતીઓનું નવુ વર્ષ બેસતુ વર્ષ પણ તરત બીજા દિવસે આવે છે. આથી અહીં આ તહેવારની ઉજવણી બેવડી થઈ જાય છે. ત્યારે જો બરાબર દિવાળી સમયે વરસાદ વરસે તો તહેવારોની મજા બગડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ તહેવારો ક્લાઈમેટ ચેન્જના કારણે હોઈ શકે છે. જો કે માવઠા સ્વરૂપે આવતો આ વરસાદ ન માત્ર તહેવારોની મજા બગાડે છે પરંતુ ખેડૂતોને પણ તેનાથી પારાવાર નુકસાન સહન કરવુ પડે છે. આ વખતે પાછોતરા વરસાદે પણ ખેડૂતોની ચિંતા વધારી છે અને તેમને ઘણુ નુકસાન સહન કરવુ પડ્યુ છે ત્યારે દિવાળી પર જો વરસાદ આવશે તો ખેડૂતોને બેવડો માર સહન કરવો પડશે.
Published On - 8:22 pm, Fri, 10 October 25