રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બની રહેલા નવા રોડમાં લોટ,પાણીને લાકડા જેવો ઘાટ સર્જાયો છે..ધોરાજીથી ફરેણી ગામ સુધી બની રહેલા નવા ડામર રોડની કામગીરી સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા છે. માર્ગ અને મકાન વિભાગ હસ્તક બની રહેલા નવા રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આરોપ છે..25 સપ્ટેમ્બરે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયાએ રોડનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રોડમાં ડામરનું ઓછું પ્રમાણ હોવાથી નબળું કામ થયું અને થોડા જ સમયમાં રોડ ઉખડવા લાગ્યો છે.
ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કરતા કહ્યું કે સત્તાપક્ષ અને અધિકારીઓની મિલીભગતના કારણે રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો છે. કોન્ટ્રાક્ટરે ડામરનો યોગ્ય ઉપયોગ ન કર્યો હોવાનો આરોપ છે. પૂર્વ ધારાસભ્યે રોડની કામગીરી અટકાવીને ફરીથી ગુણવત્તાવાળો રોડ બનાવવા માટે માગણી કરી છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે તંત્રએ પાપ છુપાવવા માટે તાત્કાલિક ઉપર બીજુ લેયર મારવામાં આવ્યુ છે. રોડની કામગીરીમાં ડામરનું નામ સુદ્ધા નથી, માત્ર કાંકરાનો જ હાથ મારી દેવામાં આવ્યો છે. જે એક જ દિવસમાં કાંકરા છુટા પડવા લાગ્યા છે અને જેમણે ભ્રષ્ટાચારની તમામ પોલ ખોલી નાખી છે. આ અંગે PWDના અધિકારીને જાણ કરાઈ હતી અને રસ્તો બંધ કરવા જણાવ્યુ હતુ. જો કે હજુ રસ્તો બંધ થયો નથી.