દેવભૂમિ દ્વારકાના (Devbhoomi Dwarka) ખંભાળિયા પંથકમાં પશુઓમાં લમ્પી નામનો વાયરસ ફેલાતા તંત્ર સતર્ક થયું છે. ગાયોમાં આ રોગને અટકાવવા માટે પશુપાલન વિભાગે ગાંધીનગરથી વેક્સીન મંગાવી ગાયોને વેક્સીન આપવાની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધી 2300 જેટલા પશુઓને રસી આપવામાં આવી હતી. રસીકરણ અભિયાન અને ગાયોની સારવાર માટે અલગ અલગ ટીમ બનાવી કાર્યરત કરવામાં આવી છે. આગામી સમયમાં ખંભાળિયા તાલુકામાં જરૂર પડે તો નવી ટીમ બનાવવામાં આવશે તેવું પશુપાલન અધિકારીએ કહ્યું હતું. રસીકરણ અભિયાનમાં એનિમલ લવર્સ ગ્રુપ અને અન્ય સંસ્થાઓ પણ જોડાઈ છે. ગૌપ્રેમીઓ પણ ગાયો માટે સેવા આપી રહ્યા છે.
મહત્વનું છે કે, બીજી તરફ તંત્રએ દાવો કર્યો છે કે, ભાણવડ અને કલ્યાણપુર તાલુકામાં હજુ સુધી લમ્પી નામનો વાયરસ પશુઓમાં ફેલાયો નથી. લમ્પી વાયરસના લક્ષણો પર નજર કરીએ તો. પશુના શરીર પર મોટા ફોડલા થવા લાગે છે. આ ઉપરાંત તાવ અને પગમાં સોજા આવેલી ગયેલા દેખાય છે. પશુઓ ખોરાક લઈ શકતા નથી અને નાકમાંથી પ્રવાહી કે લોહી નિકળવા લાગે છે. આ ઉપરાંત પશુ લાંબા સમય સુધી સ્થિર ઉભું રહેલું જોવા મળે છે. આ તમામ લક્ષણો શરૂઆતમાં ભલે જીવલેણ ન હોય. પરંતુ ચારથી પાંચ દિવસ સુધીમાં યોગ્ય સારવાર ન મળે તો લમ્પી વાયરસ જીવ લઈ શકે છે.