કોરોના સંકટ વચ્ચે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, 19 મેના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના

મધ્ય અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ પાસે લો પ્રેશર સર્જાયુ છે, જે ડિપ્રેશનમાં પરિણમશે. ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાંમાં રૂપાંતરિત થશે.

Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 14, 2021 | 4:53 PM

કોરોના સંકટ વચ્ચે ગુજરાતને માથે વાવાઝોડાંનો ખતરો તોળાયો છે. મધ્ય અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ ટાપુ પાસે લો પ્રેશર સર્જાયુ છે, જે ડિપ્રેશનમાં પરિણમશે. ડિપ્રેશન બન્યા બાદ તે વાવાઝોડાંમાં રૂપાંતરિત થશે. 19 મેના રોજ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન વેરાવળ, પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ અને મોરબી જિલ્લામાં વાવાઝોડાંની અસર જોવા મળશે.

આ દરમિયાન અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં રાધનપુર સુધી 35 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અનુમાન મુજબ વાવાઝોડું ઓમાનનો દરિયો ઓળંગી શકે છે, એક અનુમાન એવું પણ છે કે તે દક્ષિણ પાકિસ્તાન તરફ પણ આગળ વધી શકે છે. આજે લક્ષદ્વીપ, કેરળ, તામિલનાડુ, કર્ણાટક ગોવા અને મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

મ્યાનમારે આ વાવાઝોડાંને ટૌકટે નામ આપ્યું છે. જેનો અર્થ ગેકો એટલે કે, અવાજ કરનારી ગરોળી થાય છે. જ્યારે દરિયાનું પાણી ગરમ થાય છે ત્યારે વાતાવરણમાં રહેલી હવા ગરમ થઈને ઊંચે ઉડે છે. આ જગ્યાએ લો પ્રેશર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા આ લો પ્રેશરવાળા ભાગને ભરવા માટે એ તરફ આગળ વધે છે. આ દરમિયાન પૃથ્વી તેની ધરીની આસપાસ ભમરડાની જેમ ફરતી હોય છે. જેને કારણે આ હવા સીધી દિશામાં ન જતાં ગોળ ગોળ ઘુમે છે. આ હવા ઘુમરા મારતી આગળ વધે છે, તેને વાવાઝોડું કહે છે.

વાવાઝોડામાં હવા ગોળ ગોળ ફરતી હોવાને કારણે તેનું મધ્ય બિંદુ હંમેશા ખાલી હોય છે. જ્યારે આ હવા ગરમ થઈને ઉપર ઉઠે છે તેમાં ભેજ પણ હોય છે. એટલા માટે જ વાવાઝોડામાં તોફાની પવન સાથે વરસાદ પણ વરસે છે. આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ નબળું પડવા લાગે છે, કારણ કે, જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોય છે.

ઉત્તર એટલાંટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે તેને હરિકેન કહેવાય છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાંને ટાયફૂન કહે છે. જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે. ભારતમાં આવતાં તોફાન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાંથી આવે છે એટલે તેને સાયક્લોન જ કહે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">