બનાસકાંઠાઃ બાજરીના પાકમાં અતિવૃષ્ટિથી નુક્સાનને લઈ ખેડૂતોને વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
વીમાના નામે કંપનીઓ ખેડૂતો પાસેથી નાણાં તો વસૂલતી હોય છે. પણ જ્યારે વળતર ચુકવવાનો સમય આવે ત્યારે હાથ ઊંચા કરી દેતી હોય છે. પણ, આવા જ એક કિસ્સામાં આખરે 6 વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો છે. બાજરી ઉત્પાદન કરતા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને વ્યાજ સાથે નુક્સાન વળતર મળશે.
બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2018માં આઠ હજાર સાતસો બાસઠ જેટલાં ખેડૂતોએ પાક વીમો લઈને બાજરીના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો બાજરીનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો હતો. તો ક્યાંક વરસાદ ન પડતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.
પાક નિષ્ફળ જતા ખેડૂતોએ વીમા કંપની પાસે વળતરની માંગ કરી હતી. પણ, પહેલાં તો વીમા કંપનીએ નાણાં ચુકવવા આના-કાની કરી. ત્યારબાદ માત્ર નુકસાનીનું 10 ટકા વળતર ચુકવવા તૈયાર થઈ. આખરે, બનાસકાંઠાની સેવા સહકારી મંડળીએ ખેડૂતોના હક માટે લડત ચલાવવાનું નક્કી કર્યું હતુ.
આ પણ વાંચો: પ્રધાનમંત્રી મુદ્રા લોનના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી, દસ્તાવેજનો ઉપયોગ કરી મોબાઈલ ખરીદી લીધા
આખરે, 6 વર્ષે ખેડૂતોને ન્યાય મળ્યો છે અને 9 ટકાના સાદા વ્યાજ સાથે કુલ 11 કરોડ રૂપિયા ખેડૂતોને મળશે. આ માટે વીમા કંપનીને કોર્ટે આદેશ કર્યો છે. જેમાં ખેડૂતોને નુકસાનીના 35 ટકા રકમ વળતર પેટે મળશે. આ નિર્ણયથી બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોમાં આનંદની લહેર છે. જો કે તેમની એક જ માંગ છે કે આ રકમ હવે સમયસર તેમના ખાતામાં જમા થઈ જાય.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
