કબૂતરબાજી કૌભાંડમાં CID ક્રાઈમના કાર્યવાહી બાદ એજન્ટ લોબીમાં ફફડાટ, ગુજરાતના 6 એજન્ટ થઈ ગયા ગાયબ- વીડિયો
66 ગુજરાતી... એવા 66 ગુજરાતી, જે ગેરકાયદે અમેરિકામાં ઘુસણખોરી કરતા પકડાયા. આમ તો ભારતીયોનો આંકડો 300 જેટલો છે. અને આ કબૂતરબાજીના કૌભાંડમાં 14 એજન્ટ સામે નામજોગ ગુનો નોંધાયો છે. આ 14 એજન્ટોમાં દુબઈ, મુંબઈ, દિલ્લીના એજન્ટો છે અને સાથે જ તેમાં સામેલ છે કલોલ અને વલસાડના પણ એજન્ટ.
દેશના સૌથી મોટા કબૂતરબાજીના કૌભાંડની તપાસ આગળ ધપી રહી છે તેમ મસમોટા ખૂલાસા પણ સામે આવી રહ્યા છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખૂલાસો થયો છે કે 14 એજન્ટે દોઢ વર્ષમાં લગભગ 800 ગુજરાતીઓ સહિત કુલ 1500 લોકોને અલગ અલગ ફ્લાઈટ મારફતે યુએસએમાં એન્ટ્રી કરાવી હતી. સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખૂલાસો થતા જ એજન્ટ લોબીમાં ફફડાટ ફેલાયો છે. સીઆઈડી ક્રાઈમની તપાસમાં ખૂલાસો થતા જ અનેક એજન્ટ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
જેમા કલોલના સંદીપ પટેલ, બિરેન પટેલ અને પિયુષ બારોટ,કિરણ પટેલ, ભાર્ગવ દરજી અને ચંદ્રેશ પટેલ સહિતના એજન્ટના ઘરે tv9ની ટીમ પહોંચી હતી. જેમા એકપણ એજન્ટ ઘરે મળ્યો ન હતો. જો કે તેમના પરિવારના સભ્યો દાવો કરી રહ્યા છે કે તેમને ખોટી રીતે ફસાવાયા છે.
આ પણ વાંચો: કબૂતરબાજી કૌભાંડમાં કલોલના પિયુષ બારોટના માતાનો દાવો, કોઈ ખોટી રીતે આપ્યુ નામ- વીડિયો
ત્યારે સૌથી મોટો સવાલ એ પણ છે કે જો તેમને ખોટી રીતે ફસાવાયા છે તો તમામ એજન્ટ ગાયબ કેમ થઈ ગયા છે ? કલોલમાં રહેતો એજન્ટ સંદીપ પટેલ અને મહેસાણાના કડીના એજન્ટ ચંદ્રેશ પટેલના ઘરે તાળુ જોવા મળ્યુ. જ્યારે પડોશીઓ પણ મગનુ નામ મરી પાડવા તૈયાર ન હતા.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
