કોરોનાની સ્થિતિની સમિક્ષાના મુદ્દે મોરબી જઈ રહેલા મુખ્યપ્રધાન, પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના કોલ્ડવોરને ઠારશે ?

મોરબી ( morbi ) સિવીલમાં અસુવિધા અંગે ટીવી9માં પ્રસારીત થયેલા અહેવાલ, ભાજપના જ પૂર્વ ધારાસભ્યે કલેકટરને રૂપિયા ખાવ છો એવુ રોકડુ પરખાવ્યા બાદ મુખ્ય પ્રધાનની (chief minister ) આજની મોરબી ખાતેની મુલાકાત સુચક માનવામાં આવે છે.

  • Bipin Prajapati
  • Published On - 9:34 AM, 9 Apr 2021
કોરોનાની સ્થિતિની સમિક્ષાના મુદ્દે મોરબી જઈ રહેલા મુખ્યપ્રધાન, પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેના કોલ્ડવોરને ઠારશે ?
મોરબીમાં મુખ્યપ્રધાન કોરોનાની સ્થિતિની કરશે સમિક્ષા

સૌરાષ્ટ્રમાં પણ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લઈને મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે મોરબીની ( Morbi) મુલાકાત લઈને કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા કરશે. મોરબીમાં કોરોનાના કેસ નોંધપાત્ર સંખ્યામાં વધી રહ્યાં છે. આવા સમયે સિવીલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો અભાવ, સારવાર અને સુવિધામાં ઠાગા ઠૈયા જેવા બનાવો બનતા મોરબી સિવીલમાં સારવાર માટે આવતા દર્દીઓમાં સરકાર અને સરકારી વ્યવસ્થા સામે ભારે કચવાટ પ્રવર્તતો હતો. આવી સ્થિતિ જાણીને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મોરબી સિવીલ હોસ્પિટલમાં દર્દીઓને અપાતી આરોગ્યલક્ષી સુવિધાની સમિક્ષા કરવા મોરબીની મુલાકાત લેશે.

2013માં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની અલગ જિલ્લાની રચના કર્યા બાદ, મોરબીમાં જિલ્લાસ્તરે જે કોઈ સુવિધા મળવી જોઈએ તે સુવિધાઓ ફાળવ્યા બાદ, તેમા કોઈ જ વધારો ના થયો હોવાનું પ્રજામાં ચર્ચાઈ રહ્યુ છે. ખાસ કરીને આરોગ્ય, પરિવહન અને શિક્ષણ જેવા ક્ષેત્રે એવી ને એવી જ સ્થિતિ રહેવા પામી હોવાનું લોકોનું કહેવુ છે.

મોરબી સિવીલ હોસ્પિટલની ખસ્તા હાલત અંગે બે દિવસ પૂર્વે ટીવી9 ગુજરાતી ઉપર પ્રસારીત થયેલ ચોકાવનારા અહેવાલ બાદ તંત્ર એકાએક જાગ્યુ છે. આ અહેલાન રજૂ થયાના ગણતરીના કલાકોમાં જ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી રાવ લશ્કર સાથે મોરબી સિવીલ હોસ્પિટલ ખાતે પહોચી ગયા હતા. અને જરૂરી આરોગ્યલક્ષી વ્યવસ્થા ગોઠવવાના કામે લાગી ગયા હતા.

આ સમયે, ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ, સિવીલ હોસ્પિટલના સંકુલમાં જ સૌની હાજરીમાં, જિલ્લા કલેકટરને, તમે રૂપિયા ખાવ છો એમ કહીને સૌ કોઈને ચોકાવી દીધા હતા. જો કે આ મુદ્દે જિલ્લા કલેકટર જે બી પટેલ અને પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે દલિલ પણ થઈ હતી. આ બનાવના પડધા, મોરબીથી ગાંધીનગર સુધી પડ્યા હોવાના અહેવાલ છે.

મોરબીના પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય, એક જ પાર્ટીના હોવા છતા બન્ને વચ્ચે જરાય મનમેળ નથી. સતા અને વર્ચસ્વની લડાઈ માટે લડતા આ બન્ને રાજકારણીઓને કારણે ગુજરાત ભાજપની સ્વચ્છ પ્રતિભા ધરીવતા રૂપાણી સરકાર ઉપર પૂર્વ ધારાસભ્યે છાટા ઉડાડ્યા છે. જો કે સામાજીક અને કાર્યક્ષમ રીતે સક્ષમ પૂર્વ ધારાસભ્યને ભાજપ તરફથી કોઈ ઠપકો મળ્યો છે કે નહી તે બહાર નથી આવ્યુ પણ પૂર્વ અને વર્તમાન ધારાસભ્ય વચ્ચેનો ગજગ્રાહ જાહેરમાં સામે ના આવે અને સરકારને તેના કારણે કોઈ નુકસાન કે પ્રતિષ્ઠાને આંચ ના આવે તે માટે રૂપાણી આજે બન્નેને ઠપકો આપશે તેમ મનાઈ રહ્યું છે. સંભવ છે કે, મુખ્યપ્રધાનની આજની મુલાકાત સમયે બન્ને રાજકીય મહાનુભવ સાથે જાહેરમાં જોવા મળશે.