ભાવનગર માર્કેટિંગ યાર્ડની 10 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં ભાજપે મારી બાજી, 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કર્યો કબજો- વીડિયો
10 વર્ષ બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે બાજી મારતા 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કબજો કર્યો છે. ભાજપ કોંગ્રેસ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હતી. જેમા વેપારી પેનલની 4 બેઠક ભાજપ તરફથી બિન હરીફ થઈ હતી.
ભાવનગર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે બાજી મારી છે. 10 વર્ષ બાદ યોજાયેલી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપે 9 સીટ સાથે બહુમતી મેળવી યાર્ડ પર કબજો કરવામાં સફળ રહી છે. માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ખેડૂતોની 10 અને વેપારી પેનલની 4 બેઠકો માટે મતદાન થવાનું હતુ જેમાં વેપારી પેનલ બિનહરીફ થઈ હતી. જ્યારે ખેડૂત પેનલના 10 પૈકી 5 ભાજપના ઉમેદવાર અને 5 કોંગ્રેસના ઉમેદવારની પસંદગી કરાઈ હતી. વેપારી પેનલ બિનહરીફ થતા 9 સીટ સાથે ભાજપ આ ચૂંટણીમાં વિજયી બની છે.
વેપારી પેનલની 4 બેઠક ભાજપથી તરફથી બિનહરીફ
આ ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાંથી 816 ખેડૂત મતદારોએ મતદાન કર્યુ હતુ. આ વખતે ચૂંટણીના મુદ્દાઓમાં ડુંગળીની નિકાસબંધીનો મુદ્દો, કપાસના ભાવ, ડુંગળીના તળિયે ગયેલા ભાવ સહિતના મુદ્દા પર મતદાન થયુ હતુ. કુલ 14 બેઠક માટે યોજાયેલા મતદાનમાં 4 વેપારી પેનલની બેઠકો ભાજપ દ્વારા બિનહરીફ થઈ હતી. ત્યારબાદ 10 બેઠકો માટે ભાજપ કોંગ્રેસ બંને વચ્ચે આ ચૂંટણીમાં રસાકસી જોવા મળી હતી. બંને પક્ષો પોતપોતાની જીતના દાવા કરતા જોવા મળ્યા હતા.
ડુંગળીની નિકાસબંધી, યોગ્ય ભાવ ન મળવા જેવી ખેડૂતની સમસ્યાઓ
ભાવનગર માર્કેટિંગ યાર્ડની જો વાત કરવામાં આવે તો ડુંગળીની નિકાસબંધીને કારણે હાલ ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા તેમજ કપાસમાં પણ ખેડૂતોને ભાવ ન મળતા નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે ભાજપના જીતેલા ઉમેદવાર દિગ્વિજયસિંહ ગોહિલે એવી ખાતરી આપી કે ખેડૂતોની સમસ્યા અંગે સરકારને રજૂઆત કરવામાં આવશે.
છેલ્લે 2013માં યોજાઈ હતી માર્કેટિંગ યાર્ડની ચૂંટણી
માર્કેટિંગ યાર્ડમાં છેલ્લે 2013માં ચૂંટણી યોજાઈ હતી. ત્યારબાદ સરકાર દ્વારા નિયુક્તિ બોડી મુકવામાં આવી હતી. હવે 10 વર્ષ બાદ ચૂંટણી યોજાઈ છે અને યાર્ડમાં ભાજપની સત્તા આવી છે ત્યારે જોવુ રહ્યુ કે ખેડૂતોલક્ષી અને યાર્ડના વિકાસના કામો પર કેટલુ ધ્યાન અપાય છે. અહીં આવતા ખેડૂતોને કોઈ અગવડ ન પડે તેના માટે શું કામગીરી કરવામાં આવે છે.
ભાવનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
