Banaskantha : દિયોદરમાં 8 ઈંચ વરસાદ બાદ ખેતરો અને શાળાઓમાં પાણી ભરાયા

બનાસકાંઠાના(Banaskantha) ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા હતા.સ્કૂલમાં અને માર્કેટયાર્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો કાંકરેજમાં પણ કંઇક આવી જ સ્થિતિ હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2022 | 9:57 PM

બનાસકાંઠા(Banaskantha)  જિલ્લામાં મેઘરાજા સિઝનના પહેલા જ વરસાદમાં(Rain) મનમૂકીને વરસ્યા છે.દિયોદરમાં સર્વાધિક 8 ઈંચ વરસાદથી બી.એમ. પટેલ વિધામંદિરમાં પાણી ભરાઈ ગયા. તો લાખણી પંથકના સંખ્યાબંધ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. દાંતામાં ઉપરવાસમાં ભારે વરસાદથી કીડી-મકોડી નદીમાં નવા નીર આવ્યા છે. આ ઉપરાંત દિયોદર, ડીસા, લાખણી, પાલનપુર, અમીરગઢ સહિતના વિસ્તારો ભારે વરસાદથી પાણી-પાણી થઈ ગયા હતા. ડીસામાં(Deesa) ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર એક ફૂટ પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ડીસામાં પાંચ ઈંચ વરસાદથી આખોલ ચાર રસ્તા પાસેની 50 દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. આ કરિયાણા, ઓટો પાર્ટ્સ, બેટરી અને ઇલેક્ટ્રોનિક દુકાનોમાં પાણી ઘૂસતા નુકસાન પહોંચ્યું છે. તો પાલનપુરમાં રસ્તા અને અમીરગઢમાં રેલવે અંડરબ્રિજમાં 3 ફૂટ પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.

ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા

બનાસકાંઠાના ભીલડીમાં પણ ધોધમાર વરસાદથી પાણી ભરાઇ ગયા હતા.સ્કૂલમાં અને માર્કેટયાર્ડમાં પાણી ભરાઇ ગયા હતા.જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.તો કાંકરેજમાં પણ કંઇક આવી જ સ્થિતિ હતી.. કાંકરેજમાં અંડરબ્રિજમાં પાણી ભરાઇ જતા.. વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

પાલનપુર ફક્ત દોઢ ઈંચ વરસાદમાં જ પાણી પાણી

બનાસકાંઠાનું  મુખ્ય મથક પાલનપુર ફક્ત દોઢ ઈંચ વરસાદમાં જ પાણી પાણી થઈ ગયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. વરસાદ શાંત થયાને કલાકો થવા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. શહેરના સુખબાગ રોડ સહિતના અનેક વિસ્તારોમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ નગરપાલિકાની કામગીરીની પોલ ખુલી ગઈ છે. પાલનપુરમાં જાણે પ્રિમોન્સૂન કામગીરી થઈ જ ન હોય તેવા દ્રશ્યો જવા મળ્યા છે.લોકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પાલિકા તરફથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. લોકોએ પાલિકાના સત્તાધીશો પર ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">