Ahmedabad : AMC અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઝપાઝપી,સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
અમદાવાદ શહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક અધિકારી અને એક કોન્ટ્રાક્ટર વચ્ચે જાહેરમાં ઉગ્ર ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે.
અમદાવાદ શહેરમાં ડ્રેનેજની કામગીરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના એક અધિકારી અને એક કોન્ટ્રાક્ટર વચ્ચે જાહેરમાં ઉગ્ર ઝપાઝપી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ નિકોલ વિસ્તારમાં આવેલા ગંગોત્રી સર્કલ નજીક બન્યો હતો, અને તેનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાથમિક વિગતો અનુસાર, નિકોલ ગંગોત્રી સર્કલ પાસે રોડનું કામ પૂર્ણ થયા બાદ સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે સ્થાનિક લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો હતો. આ બાબતને પગલે AMCના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓને સૂચનાઓ આપી હતી.
AMC અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચે ઝપાઝપી
જોકે, આ સૂચનાઓ અને કામગીરીની ગુણવત્તા અંગેની ચર્ચા દરમિયાન, AMC અધિકારી અને કોન્ટ્રાક્ટર સામસામે આવી ગયા હતા. તેમની વચ્ચે શરૂ થયેલી બોલાચાલી ધીમે ધીમે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સંવાદદાતા સચિનના જણાવ્યા અનુસાર, બોલાચાલી દરમિયાન અપશબ્દોનો ઉપયોગ થતાં સ્થિતિ વધુ તંગ બની હતી. અપશબ્દ બોલવા મુદ્દે અધિકારી અને કોન્ટ્રાક્ટર બંને ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાટમાં બંને એકબીજા પર હુમલો કરવા માટે દોડ્યા હતા.
પરિસ્થિતિ વણસે તે પહેલાં, ત્યાં હાજર અન્ય અધિકારીઓએ તાત્કાલિક છોડાવ્યા હતા. અન્ય અધિકારીઓએ બંને પક્ષોને છોડાવ્યા હતા અને મામલાને વધુ આગળ વધતો અટકાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ડ્રેનેજ કામગીરીમાં થયેલા ભંગાણ અને તેના કારણે નાગરિકોને પડતી હાલાકી જેવા મુદ્દાઓ પર અધિકારી અને કોન્ટ્રાક્ટર વચ્ચેનો આ જાહેરમાં થયેલો સંઘર્ષ ચિંતાનો વિષય બન્યો છે.
