અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવકની હત્યા, મૃતકના પિતાને યુવકના મિત્રો પર જ શંકા,જુઓ વીડિયો

| Edited By: | Updated on: Nov 01, 2023 | 9:08 AM

ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સ્મિત નામના યુવકની હત્યા કરાયેલી લાશ રિવરફ્રન્ટ વેસ્ટના વાડજ તરફના ભાગ પાસેથી મળી આવી હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે રિવરફ્રન્ટના બાંકડા પાસે એક યુવકનો મૃતદેહ પડ્યો છે. ત્યાં જઈને તપાસ કરતાં ગોળી મારીને યુવકની હત્યા કરાયાનું સામે આવ્યું હતું.

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર  હત્યાની ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાની શક્યતા સેવાઈ રહી છે. મૃતક સ્મિતના પિતાએ સ્મિતના મિત્રો પર શંકા વ્યક્ત કરી છે. પોલીસે સમગ્ર ઘટના મામલે તપાસ શરુ કરી છે.

દધિચીબ્રિજ પાસે રિવરફ્રન્ટ વોક વે પર રાતના સમયે 24 વર્ષીય યુવકની પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારીને ક્રૂર હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ પોલીસને સવારે થઈ હતી. લોકોની અવરજવરથી વ્યસ્ત રહેતા રિવરફ્રન્ટના છેડે બનેલી આ ઘટનામાં પોલીસને રોડ પર મળેલુ મોપેડ તપાસ કરતા મૃતકની ઓળખ થઈ હતી.ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સ્મિત રાજેશભાઈ ગોહિલ નામનાં યુવકની અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાનો ખુલાસો થતા રિવરફ્રન્ટ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

મૃતક સ્મીત ગોહિલ ચાંદલોડિયા વિસ્તારમાં પિતા અને દાદી સાથે રહે છે અને પિતાના કડિયાકામનાં કોન્ટ્રાક્ટમાં મદદ કરે છે. 30 ઓક્ટોબરે રાતના સમયે તે પિતાને એક મિત્ર મળતો નથી તેને શોધવા જવાનું છે તેમ કહીને નિકળ્યો હતો. રાત્રે 10 વાગે પિતા સાથે વાત થઈ ત્યારે 10 મીનીટમાં ઘરે આવે છે તેમ જણાવ્યું હતું.

જોકે રિવરફ્રન્ટ પોલીસને વહેલી સવારે જાણ થતાં પોલીસ પહોંચી હતી. જ્યાં એક મોપેડ મળી આવતા તેની ડેકીમાં તપાસ કરતા આઈટી રિટર્નના કાગળો મળી આવતા યુવકની ઓળખ થઈ હતી. જે બાદ મૃતદેહ પાસેથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો. રાતનાં એકથી 4 વાગ્યાના અરસામાં આ હત્યા કરી હોવાનું પોલીસ અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચો-દેવભૂમિ દ્વારકા વીડિયો: કલ્યાણપુરા પંથકના 6 ગામમાં કમોસમી વરસાદે નુકસાન વેર્યું, ખેડૂતોનો તૈયાર પાકને નુકસાન

મૃતક સ્મિતનો 9 ઓક્ટોબરના રોજ જ જન્મ દિવસ હતો. જેની તેણે ઉજવણી પણ કરી હતી. બીજી તરફ પિતા રાજેશભાઈ એકના એક દીકરાની હત્યા થતાં ખૂબ જ આઘાતમાં છે. તેઓ હત્યારાની ધરપકડ થાય તે માટે અને ગુનેગારને સજા થાય તેની માગ કરી રહ્યા છે.હાલ તો પોલીસે આ કેસમાં ટેક્નિકલ એનાલિસીસના આધારે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પ્રાથમિક તપાસમાં તેના મિત્રનું નામ સામે ન આવતા પોલીસ તે દિશામાં તપાસ શરૂ કરી છે,ત્યારે જોવાનું રહ્યું કે આ કેસનો ભેદ પોલીસ કઈ રીતે ઉકેલે છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 31, 2023 03:28 PM