અયોધ્યામાં નવનિર્મિત ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મહોત્સવને લઈને દેશભરમાં દિવાળી જેવો માહોલ છે. દરેક દેશવાસીઓ આ ઐતિહાસિક પળના સાક્ષી બનવા માટે રામમય બન્યા છે. ત્યારે અમદાવાદમાં લગ્નપ્રસંગોમાં પણ રામભક્તિ જોવા મળી રહી છે. નારણપુરાથી જાન લઈને આવેલા વરરાજા કેયુરે જય શ્રી રામનો જયઘોષ કરી લગ્નમંડપમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર સહુ કોઈએ જય શ્રી રામનો જયઘોષ કર્યો હતો
નારણપુરાથી અશ્વ પર સવાર થઈ વરઘોડો લઈ સીટીએમના કુશાભાઉ ઠાકરે હોલમાં પહોંચેલા વરરાજા કેયુરે બંને હાથમાં ભગવાન રામચંદ્રના ધજા પતાકા લઈ રામના રંગે રંગાયા હતા. નારણપુરાથી સીટીએમ જાન લઈને આવેલા સમસ્ત જાનૈયાઓએ પણ ડીજેના તાલે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગાની ધુન પર નાચી લગ્નના માંડવે મસ્ત બન્યા હતા.
આ પણ વાંચો: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: ભાવનગરમાં મીઠાઇના વેપારીની અનોખી રામ ભક્તિ, પેંડા પર બનાવ્યો રામ નામનો આકાર
હાલ સમગ્ર દેશ અને વિશ્વભરમાં વસતા સનાતની હિંદુઓ રામભક્તિમાં રંગાયા છે. દેશભરમાં હાલ ઉત્સવનો માહોલ છવાયો છે. 22 જાન્યુઆરીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આ તારીખ ઐતિહાસિક બનવા જઈ રહી છે. સદીઓથી કરોડો સનાતનીઓ આ પળની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આખરે આ ઘડી આવી પહોંચી છે જેને સહુ કોઈ યાદગાર બનાવવાની તૈયારીમાં લાગેલા છે. રસ્તા પર વરરાજાને હાથમાં રામ ધ્વજ લઈને જતા જોઈ વાહનચાલકો પણ જય શ્રી રામ બોલીને પસાર થતા જોવા મળ્યા હતા.