ભાવનગરમાં અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં મુકવામાં આવ્યા ડસ્ટબિન, વિપક્ષે કહ્યુ ટેક્સના પૈસાનું આંધણ

| Edited By: | Updated on: Dec 26, 2022 | 11:54 PM

Bhavnagar: શહેરમાં સ્વચ્છતા જળવાય તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા શહેરના મોટાભાગના વિસ્તારોમાં મોટી સંખ્યામાં ડસ્ટબિન મુકવામાં આવ્યા છે. તો વિપક્ષે તેના પર ટેક્સના પૈસાનો બગાડ કરવાનો આરોપ લગાવ્યો છે અને શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ હોવાનો આક્ષેપ કર્યો છે.

ભાવનગર શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં આગળ નંબર લાવવા માટે શહેરમાં અનેક વિસ્તારો, ચોકમાં અને મુખ્ય રસ્તાઓ પર લાખોના ખર્ચે ખુબજ મોટી સંખ્યામાં પ્લાસ્ટિકના ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. ત્યારે ડસ્ટબીનને લઇને વિપક્ષે આક્ષેપ કરતા જણાવ્યું છે કે શહેરમાં મુકવામાં આવેલી મોટા ભાગની ડસ્ટબીન ચોરાઈ ગઇ છે તો કેટલીક જગ્યાએ ડસ્ટબીન તૂટી ગયેલી હાલતમાં છે. જેને કારણે શહેરમાં ઠેર-ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. સ્વચ્છતાના નામે શહેરીજનોના ટેક્સના પૈસાનો ખોટો વ્યય થતો હોવાનો પણ વિપક્ષે આક્ષેપ કર્યો છે.

વિપક્ષે શહેરમાં ઠેર ઠેર ગંદવાડો હોવાનો કર્યો આક્ષેપ

શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી જણાવે કે ભાવનગરમાં સ્વચ્છતામાં નંબર લાવવો છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં ગંદવાડો છે. વધુમાં તેઓ જણાવે છે ભાવનગર શિક્ષણ સમિતિની બહાર જ ગંદકીના ગંજ જોવા મળે છે. વારંવાર રજૂઆત કરવા છતા ગંદકી દૂર થતી નથી. તેમનો આરોપ છે કે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોમાં પણ સ્વચ્છતાના અને સફાઈના નામે મીંડુ જોવા મળે છે. આ શાળામાં ગરીબ ઘરના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, ત્યાં પણ મનપાના શાસકો સ્વચ્છતા લાવી શક્યા નથી.

બીજી તરફ ભાવનગર મનપાના સત્તાધિશો શહેરને સ્વચ્છતા ક્રમાંકમાં અવ્વલ લાવવાના પ્રયાસમાં હોય તેમ જણાવી રહ્યા છે. આ સાથે તેમને અસામાજિક તત્વો અને રખડતા પશુના કારણે શહેરના અનેક વિસ્તારમાં ડસ્ટબીન તૂટી હોવાની વાતનો પણ સ્વીકાર કર્યો છે. તેમણે જણાવ્યુ કે આવનારા દિવસોમાં યોગ્ય આયોજન સાથે આગળ વધી રહ્યા છે.