વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિઝા (Visa) અપાવવાના બહાને વડોદરામાં (Vadodara) વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરનાર સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટના સંચાલક સાગર પટેલની ધરપકડ કરવામાં આવી છે. વડોદરાની (Vadodara) ગોરવા પોલીસે (Gorwa police) આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિઝા અપાવવાના બહાને વિદ્યાર્થીઓ સાથે સિક્યોર ફ્યુચર કન્સલ્ટન્ટના સંચાલક સાગર પટેલ અને તેમની પત્નીએ છેતરપિંડી કરી હતી.
વિદેશમાં અભ્યાસ માટે વિઝા અપાવવાની લાલચ આપી આ દંપતી વિદ્યાર્થીઓ પાસેથી રુપિયા ખંખેરતી હતી. આ દંપતી પર આરોપ છે કે તેમણે વિદ્યાનગરની વિદ્યાર્થિની સહિત કુલ 4 વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે વિઝા અપાવવાની લાલચ આપી હતી. એટલુ જ નહીં આ દંપતીએ વિદ્યાર્થીઓ પાસેથી 36 લાખ રૂપિયા પડાવ્યા હતા. વિદેશમાં વિવિધ યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવાનું કહી દંપતીએ લાખો રૂપિયા પડાવ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં વિદ્યાનગરની વિદ્યાર્થિનીને UKની ડરબી યુનિવર્સિટીમાં એડમિશન અપાવવાનું કહી 9 લાખથી વધુ પડાવ્યા હતા. હજુ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી પણ આ દંપત્તીએ રુપિયા પડાવ્યા છે કે કેમ તેના પર પોલીસે તપાસ શરુ કરી છે.
બીજી તરફ ઠગાઈના કેસમાં ગોરવા પોલીસે તપાસ શરૂ કરી છે. યુનિવર્સિટીના લેટર તથા અન્ય ડોક્યુમેન્ટ બોગસ બનાવવામાં આવતા હોવાની પોલીસને આશંકા છે. જેને લઈ સાગર પટેલ દ્વારા જે યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવાનું કહેવામાં આવતું હતું તે યુનિવર્સિટી અને તે દેશોની એમ્બેસીનો પોલીસ સંપર્ક કરશે.