MONEY9: શું ખાતરના ભાવ હજુ પણ વધશે…?

ખરીફ સીઝન આડે ગણતરીના દિવસો બાકી છે. આ સીઝનમાં અઢળક ખાતરની જરૂર પડે છે ત્યારે ડર છે કે, ખાતરના સતત વધી રહેલાં ભાવને કારણે ખેડૂતોની કમાણીમાં મોટું ગાબડું પડશે.

Money9 Gujarati

| Edited By: Bhavesh Bhatti

May 16, 2022 | 4:58 PM

MONEY9: ઘઉંનો પાક લઘુત્તમ ટેકાના ભાવે (MSP) પર વેચીને પરત ફરેલાં હરિલાલના હૈયે હરખ સમાતો નથી. પરંતુ સતત વધી રહેલાં ખાતર (FERTILIZER)ના ભાવને જોતાં તેમનો આ હરખ લાંબો સમય સુધી ટકે એવું લાગતું નથી. કારણ કે, ખરીફ સીઝન (KHARIF SEASON) શરૂ થવા આડે જાજા દિવસો બાકી નથી અને આ સીઝનમાં અઢળક ખાતરની જરૂર પડતી હોય છે. એટલે તેમને ડર છે કે, ખાતરના ઊંચા ભાવ ચૂકવવામાં જ ક્યાંક બધો નફો વપરાઈ નહીં જાય ને!

વાત જાણે એમ છે કે, રશિયા-યુક્રેન યુદ્ધથી ફેલાયેલી મોંઘવારીની આગ ફર્ટિલાઈઝર માર્કેટને પણ દઝાડી રહી છે અને ખાસ તો, ફૉસ્ફરસ આધારિત DAP અને NPK જેવા નોન-યૂરિયા ખાતરના ભાવ ભડકે બળી રહ્યાં છે. યૂરિયા ખાતરથી વિપરિત આ બંને ખાતરની કિંમત પર સરકારનો કોઈ અંકુશ નથી, એટલે કિંમતોને જાણે કે છૂટોદોર મળી ગયો છે. ઓછામાં પૂરું આપણે આ ખાતરની જંગી માત્રામાં આયાત કરીએ છીએ, એટલે પડ્યા પર પાટુ જેવો ઘાટ ઘડાયો છે. 

અત્યારે તો, એક ટન DAPની કિંમત 60,000 રૂપિયા છે જ્યારે NPKSની કિંમત 43,131 રૂપિયા છે અને MOP માટે 40,070 રૂપિયા નક્કી થયા છે. આ ભાવમાં સરકાર તરફથી મળતી સબસિડી પણ સામેલ છે. 

હવે વાત કરીએ આયાતની. માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ 2021-22માં દેશમાં લગભગ 124 લાખ ટન DAPની જરૂર હતી અને તેમાંથી 42.56 લાખ ટનની આયાત જાન્યુઆરી સુધીમાં થઈ ગઈ છે. આવી જ રીતે, 37.10 લાખ ટન મ્યૂરેટ ઑફ પૉટાશ (MOP)માંથી લગભગ 21 લાખ ટન અને અંદાજે 123 લાખ ટન NPKમાંથી 11.28 લાખ ટનની આયાત જાન્યુઆરી સુધીમાં થઈ ચૂકી છે.

પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધને કારણે આ તમામ ખાતરના આયાતી ભાવ સરકારે નક્કી કરેલા ભાવ કરતાં ઘણા ઉપર પહોંચી ગયા છે. આયાત થતાં DAPનો વર્તમાન ભાવ 1,290 ડૉલર એટલે કે, લગભગ 95 હજાર રૂપિયા પ્રતિ ટન છે. MOP અને NPKમાં પણ આવી જ સ્થિતિ છે.  ઓછામાં પૂરું આયાતી ખાતર પર લાગે છે પાંચ ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી અને પાંચ ટકા જીએસટી. આ ખાતર દરિયાકાંઠે આવી ગયા પછી ખેતર સુધી પહોંચતાં-પહોંચતાં તેમાં નૂર ભાડાંનો પણ ઉમેરો થાય છે. 

આ સમસ્યા ઉકેલવા માટે તમે એવી દલીલ કરી શકો કે, આપણે ખાતરની આયાત ઘટાડીને સ્થાનિક ઉત્પાદન વધારી દેવું જોઈએ. પરંતુ આવું કરવાથી પણ ખર્ચ ઘટવાનો નથી, કારણ કે, કાચા માલની આયાત તો રશિયા અને અન્ય દેશોમાંથી કરવી પડે છે અને યુદ્ધને કારણે આ માલ પણ મોંઘો થઈ ગયો છે. છેલ્લાં એક વર્ષમાં ફૉસ્ફરિક એસિડની કિંમત બે ગણી થઈ ગઈ છે.

બીજી બાજુ, ખાતરના ઉત્પાદનમાં વપરાતા એમોનિયા અને સલ્ફરના ભાવ પણ આભ આંબી રહ્યાં છે. ભારત પાસે જૂનો જથ્થો પણ ખૂટી ગયો છે. DAPને બાદ કરતાં અન્ય ખાતરનો નજીવો જથ્થો પડ્યો છે. પહેલી એપ્રિલે NPKનો લગભગ 10 લાખ ટન અને MOPનો માત્ર પાંચ લાખ ટન જથ્થો પડ્યો હોવાની નોંધણી થઈ છે.

જોકે, યૂરિયાની સ્થિતિ થોડી-ઘણી સારી છે. તેનો જથ્થો પણ પડ્યો છે અને ભાવ પર સરકારનો અંકુશ પણ છે. પરંતુ ખર્ચ વધવાને કારણે અન્ય ઉત્પાદકો પર ભાવ વધારવાનું દબાણ છે. જો ભાવ નહીં વધે તો, ઉત્પાદન કરનારી કંપનીઓએ પોતાના ખિસ્સામાંથી ખર્ચ કાઢવાનો વારો આવશે. આવી સ્થિતિમાં જો સરકાર તરફથી કંપનીઓને મળતી સબસિડી વધારવામાં આવે તો જ, કંપનીઓ અને ખેડૂતો, બંનેને રાહત મળી શકશે.

સબસિડીનો બોજ પણ સતત વધી રહ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટમાં અંદાજ આપવામાં આવ્યો હતો કે, સબસિડી બિલ પર કુલ 79,530 કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. પરંતુ, યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલી કિંમતનો સામનો કરવા માટે સરકારે પહેલેથી જ 60,000 કરોડ રૂપિયાની વધારાની જોગવાઈ કરવી પડી છે અને એવી આશંકા વધુ દ્રઢ બની છે કે, ફર્ટિલાઈઝર સબસિડીનું અસલી બિલ તો આના કરતાં વધારે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા આવશે.

નાણાકીય વર્ષ 2022-23 માટે 1.05 લાખ કરોડ સબસિડીનો અંદાજ છે અને તે પણ વધીને 1.60 લાખ કરોડ રૂપિયાએ પહોંચી જવાની ગંભીર આશંકા સેવાઈ રહી છે. હવે જો સરકાર પોતાનો સબસિડીનો બોજ હળવો કરવા જશે, તો આ બોજ ખેડૂતોએ વેઠવો પડશે અને તેમાં કોઈ બેમત નથી.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati