Mythology: શું તમને ખબર છે ભક્ત માટે કેમ ભગવાન પડ્યા બીમાર ? વાંચો જગન્નાથજીની લીલાઓની કથા

દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાએ જગન્નાથજીની સ્નાનયાત્રા થાય છે. અને આ યાત્રામાં ખૂબ જ ભિંજાવાને લીધે જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી બીમાર પડી જાય છે. જેને લીધે પંદર દિવસ સુધી ભગવાન ભક્તોને દર્શન નથી દેતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 9:53 AM

Mythology:  ભગવાન જગન્નાથજી(Lord Jagannath) એટલે તો કળિયુગના પ્રગટ દેવતા. એવાં દેવતા કે જેમની લીલાઓનો તાગ મેળવવો જ મુશ્કેલ લાગે. જેમ ધરતી પર જન્મ લીધાં પછી મનુષ્ય ઋણાનુબંધમાં બંધાય છે, તે જ રીતે જગન્નાથજી પણ તેવી જ લીલા કરે છે. જગન્નાથજી નવકલેવર ધારણ કરી નવો દેહ ધરે છે. અને સમય આવ્યે તે દેહનો ત્યાગ પણ કરે છે ! જેની સાક્ષી રૂપે જ્યારે બે અષાઢ એક સાથે આવે ત્યારે જગન્નાથજીની નવીન મૂર્તિઓની પ્રતિષ્ઠા કરવામાં આવે છે. અને જગન્નાથજીની જૂની પ્રતિમાઓની અંતિમવિધિ કરવામાં આવે છે. પણ, શું તમને ખબર છે, કે જગન્નાથજી તો એક મનુષ્યની જેમ જ બીમાર પણ પડે છે?

દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાએ જગન્નાથજીની સ્નાનયાત્રા થાય છે. અને આ યાત્રામાં ખૂબ જ ભિંજાવાને લીધે જગન્નાથજી, સુભદ્રાજી અને બળભદ્રજી બીમાર પડી જાય છે. જેને લીધે પંદર દિવસ સુધી ભગવાન ભક્તોને દર્શન નથી દેતા. આ પંદર દિવસ પ્રભુની અણસરગૃહમાં સારવાર ચાલે છે. પણ, શું તમને ખબર છે કે ભગવાન શા માટે બીમાર પડે છે ? આવો, આજે જાણીએ પ્રભુના બીમારી પાછળનું રહસ્ય !

પ્રચલીત કથા અનુસાર જગન્નાથપુરીમાં માધવદાસજી કરીને પ્રભુ જગન્નાથજીના એક ભક્ત થઈ ગયા. માધવદાસજી નિત્ય જ મંદિરમાં પ્રભુના દર્શને જતા. તેમનું ભજન કરતા, અને પ્રભુ સ્મરણમાં જ મસ્ત રહેતા. પરંતુ, એક દિવસ અચાનક માધવદાસજીની તબિયત ખરાબ થઈ ગઈ. તેમના પેટમાં ભોજન ટકતું જ ન હતું. તે ખૂબ જ અશક્ત થઈ ગયા. તેમને ઉઠવા-બેસવામાં પણ તકલીફ પડવા લાગી. અલબત્, માધવદાસજી કોઈની પાસેથી પણ મદદ ન લેતા. અને જે તેમની મદદ કરવા આવે તેને કહેતા.

માધવદાસજીઃ
“ના, મારે સહાયની જરૂર નથી. મારા જગન્નાથ જ મારી રક્ષા કરશે.”

કહે છે કે ધીમે-ધીમે માધવદાસજીની તબિયત વધારે જ ખરાબ થઈ ગઈ. તેઓ ઉઠવા-બેસવા પણ અસમર્થ બન્યા. ત્યારે સ્વયં ભક્તવત્સલ જગન્નાથજી એક સેવકના રૂપે માધવદાસજી પાસે પહોંચ્યા. પ્રભુએ પોતાના હાથે ભક્તના ગંદા વસ્ત્ર સાફ કર્યા. પ્રભુએ ભક્તની એવી સેવા કરી કે જેવી ભાગ્યે જ કોઈ કરી શકે. આખરે, માધવદાસજીને ભાન આવ્યું. તે તો તરત જ ઓળખી ગયા કે આ તો મારા પ્રભુ છે. તેમણે પ્રભુને પ્રાર્થના કરતા કહ્યું.

માધવદાસજીઃ
“હે પ્રભુ ! તમે તો ત્રિભુવનના સ્વામી છો. તમારી ઈચ્છાથી તો મારો રોગ ક્ષણ માત્રમાં દૂર થઈ જાત. તો પછી તમારે મારી આવી રીતે સેવા કરવાની જરૂર ન પડત ! ”

પ્રિય ભક્તની વાત સાંભળી ભક્તવત્સલ જગન્નાથજી બોલ્યા.

પ્રભુ જગન્નાથઃ
“હે માધવ ! મારાથી ભક્તોનું કષ્ટ નથી જોવાતું. એટલે જ મેં જાતે તારી સેવા કરી છે. પરંતુ, જેનું જે પ્રારબ્ધ હોય છે તે તો તેણે ભોગવવું જ પડે છે. જો તું તેને આ જન્મમાં ન ભોગવત, તો તે બંધનને કાપવા તારે આવતા જન્મમાં ફરી ધરતી પર આવવું પડત. અને હું નથી ઈચ્છતો કે મારા ભક્તને પુનઃ જન્મ લેવો પડે. અલબત્, હું તારી વાત ટાળી પણ નથી શકતો. અને, એટલે જ તારી બીજા પંદર દિવસની જે બીમારી બાકી છે તે હું સ્વયં ધારણ કરી લઉં છું !”

માન્યતા અનુસાર માધવદાસજીનો બાકીનો રોગ પ્રભુ જગન્નાથજીએ ધારણ કરી લીધો. અને એનું જ ઋણ ચૂકવવા ભક્તવત્સલ જગન્નાથજી દર વર્ષે પડે છે બીમાર !

પુરાણોમાં જણાવ્યા મુજબ આ છે ખાસ કથા, તો આગળની કથા માટે ક્લીક કરો વિડિયો.

આગળની કથા જુઓ આ વીડિયોમાં

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">