જાણો પોરબંદરના બિલેશ્વર ધામનો મહિમા, જ્યાં પૂર્ણ થઈ શ્રીકૃષ્ણની કામના

પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણએ બીલનાથ સમક્ષ સંતાન પ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને મહાદેવે શ્રીકૃષ્ણને જાંબુવતીથી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. અહીં તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ બીલીપત્ર અને કમળ પુષ્પથી શિવજીની પૂજા કરી હોવાની લોકવાયકા છે.

TV9 Bhakti
| Edited By: | Updated on: May 09, 2022 | 1:57 PM

સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં અનેકવિધ શિવમંદિરો વિદ્યમાન છે. અને તે સર્વમાં મહેશ્વરના અત્યંત દુર્લભ અને અદ્વિતીય સ્વરૂપોના ભક્તોને દર્શન થતાં જ રહે છે. અને તે સર્વમાં એક એવું મંદિર છે જેની સાથે જોડાયો છે હરિ અને હર એટલે કે શ્રીકૃષ્ણ અને મહાદેવ બંન્નેનો ગાઢ નાતો. આ તો એ શિવમંદિર છે કે જ્યાં સ્વયં શ્રીકૃષ્ણના કોડની થઈ હતી પૂર્તિ. અને આ શિવાલય એટલે તો પોરબંદરનું બિલેશ્વર ધામ.

પાવની બીલગંગા નદીને કાંઠે સ્થિત બીલનાથ મહાદેવનું મંદિર એ તો બિલેશ્વર મહાદેવ મંદિરના નામે પણ ખ્યાત છે. સુવર્ણ રંગા શિખરથી શોભતું અને સદૈવ શ્વેત ધજાથી દીપતું આ સ્થાનક શિવભક્તોની પરમ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. અન્ય શિવલાયોથી ભિન્ન અહીં વિદ્યમાન મહેશ્વરનું રૂપ અત્યંત અનોખું ભાસે છે. એક વિશાળ શિલા સમાન દૃશ્યમાન થતાં આ રૂપ પર દેવાધિદેવનું ભવ્ય મુખારવિંદ પ્રસ્થાપિત કરાયું છે. બિલેશ્વર મહાદેવનું મુખારવિંદ 25 કિલો ચાંદીમાંથી નિર્મિત છે ! અને તેમાં ઉપસેલી મહેશ્વરની આભા એટલી તો દિવ્ય છે કે નિહાળતા જ રહી જઈએ.

બિલેશ્વર મહાદેવનું આ રૂપ સ્વયંભૂ જ મનાય છે. માન્યતા અનુસાર આ શિવલિંગ તો સ્વયં શ્રીકૃષ્ણના હસ્તે પૂજીત છે ! પ્રચલિત માન્યતા અનુસાર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ આ ધરા પર મહેશ્વરની સ્વહસ્તે પૂજા કરી હતી. એટલું જ નહીં શ્રીકૃષ્ણને સુદર્શન ચક્રની પ્રાપ્તિ પણ આ જ ધરા પર થઈ હોવાની લોકવાયકા છે. શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય મનાય છે. અને એટલે જ બીલીપત્રથી શિવપૂજાનો મહિમા છે. પરંતુ, પોરબંદરના રાણાવાવ તાલુકામાં સ્થિત બીલનાથ મહાદેવન બિલ્વપત્રથી પૂજાનો સવિશેષ મહિમા છે. અને તેનું કારણ એ છે કે અહીં તો સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ બીલીપત્ર અને કમળ પુષ્પથી શિવજીની પૂજા કરી હોવાની લોકવાયકા છે.

પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ સંતાન સુખની કામના સાથે બરડા ડુંગર પર આવ્યા હતા. તે સમયે આ સમગ્ર વિસ્તાર બિલ્વવૃક્ષોના ગાઢ વનથી ઘેરાયેલો હતો. કહે છે કે શ્રીકૃષ્ણએ સર્વ પ્રથમ આ ભૂમિ પર આવી મા ગંગાનું આહ્વાન કર્યું. અને પછી એ જ ગંગાના જળથી મહેશ્વરની પૂજાનો પ્રારંભ કર્યો. માન્યતા અનુસાર શ્રીકૃષ્ણએ સ્વયં બીલીપત્રથી અહીં મહાદેવની પૂજા કરી. અને પછી પૂરાં સાત માસ સુધી સવા લાખ કમળ પુષ્પ અર્પણ કરવાનું અનુષ્ઠાન કર્યું.

શ્રીકૃષ્ણએ શિવજી પાસે સંતાનની મનશા અભિવ્યક્ત કરી. કહે છે કે મહાદેવે શ્રીકૃષ્ણને જાંબુવતીથી પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. અને સાથે જ સુદર્શન ચક્ર પણ ભેટ આપ્યું. એક વાયકા અનુસાર બિલેશ્વર મહાદેવ સ્વયં શ્રીકૃષ્ણના હસ્તે સ્થાપિત છે. તો, એક માન્યતા અનુસાર શિવલિંગ તો શ્રીકૃષ્ણની પહેલાંથી અસ્તિત્વમાં છે. બસ, શિવલિંગની સર્વ પ્રથમ પૂજા શ્રીકૃષ્ણએ કરી હતી.

દંતકથા અનુસાર મહાદેવ બીલીના વન મધ્યે બિરાજમાન હોઈ તે બિલેશ્વરના નામે ખ્યાત થયા. અને દેવી ગંગા બીલગંગાના નામે પ્રસિદ્ધ થયા. આ સ્થાનકની વિશેષતા એ છે કે અહીં ગર્ભગૃહમાં શિવજીની સાથે દેવી પાર્વતી અને દેવી ગંગા બંન્નેના મૂર્તિરૂપ પ્રસ્થાપિત થયા છે. કહે છે કે આવું બીજા કોઈ જ શિવાલયમાં જોવા નથી મળતું. એમાંય શ્રાવણ માસમાં પ્રભુના આ દિવ્ય રૂપના દર્શનનો અદકેરો મહિમા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">